સૌરાષ્ટ્રમાં વિસાવદરમાં દોઢ ઈંચ,ધારી અને તાલાલા પંથકમાં મુસીબતના માવઠાં

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
સૌરાષ્ટ્રમાં વિસાવદરમાં દોઢ ઈંચ,ધારી અને તાલાલા પંથકમાં મુસીબતના માવઠાં 1 - image


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવામાનમાં પલટાથી ખેડૂતોમાં ચિંતા  : બુધવારે સુરત-રાજકોટ દેશમાં સૌથી વધુ ગરમ શહેરો રહ્યા બાદ આજે પણ બન્ને સ્થળોએ તાપમાન 37 સે.ને પાર થયું

રાજકોટ, : ઉત્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે રાજ્યમાં આજે રાજકોટ,અમરેલી,જુનાગઢ, સોમનાથ સહિત જિલ્લાઓમાં કમોસમી છૂટાછવાયા વાદળો છવાયા હતા અને વિસાવદરમાં દોઢ ઈંચ તથા તાલાલા, ધારી પંથકમાં ઝાપટાં રૂપે માવઠાં વરસી પડતા હાલ ખેતરોમાં મગફળીના પાથરાં હોય તેમજ કૃષિ જણસીઓ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં ઢગલાબંધ રખાયેલી હોય ખેડૂતોમાં ચિંતાની લાગણી જન્મી હતી. તો બીજી તરફ ગુજરાતમાં સતત બે સપ્તાહથી દેશની સર્વાધિક ગરમી નોંધાઈ રહી છે જે દોર આજે પણ જારી રહ્યો હતો. 

જુનાગઢ જિલ્લામાં બપોરે હવામાનમાં પલટો આવ્યો હતો અને વિસાવદર પંથકમાં દોઢથી બે ઈંચ કમોસમી વરસાદ વરસી  ગયાના અહેવાલ છે. ઉપરાંત માળિયાહાટીના, માણાવદર, બીલખા  પંથકમાં પણ ઝાપટાં વરસ્યા હતા. અચાનક આવેલા માવઠાંથી વિસાવદર પંથકના ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા હતા, દુધાળા,રાજપરા, લાલપુર, વેકરીયા, પ્રેમપરા, પિયાવા સહિત વિસ્તારોમાં ધોધમાર માવઠાં માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા.માળિયા હાટીના પંથકના જુના,નવા ગળોદર,વીરડી, અમરાપુર સહિત ગામોમાં માવઠાં વરસ્યા હતા. 

અમરેલી જિલ્લાના ધારીના ગીર કાંઠા વિસ્તારના ગામડાઓમાં કમોસમી વરસાદ શરૂ થતા દિવાળી બગડવાની ચિંતા જન્મી હતી. ધારી શહેર તથા ગીગાસણ,બોરડી, ગોવિંદપુર, કુબડા સહિતના ગામોમાં સાંજે વરસાદથી કપાસ,મગફળીના તૈયાર પાક ભીંજાવાથી નુક્શાનની ભીતિ સર્જાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં હવામાનમાં પલટા સાથે સાંજે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. તાલાલા શહેર ઉપરાંત આંકોલવાડી, રસુલપરા, મોરૂકા, ધાવા, લુશાળા, બોરવાવ, ચિત્રાવડ, સાંગોદ્રા, ચિત્રોડ સહિત ત્રીસેક ગામોમાં ભારે પવન સાથે અર્ધાથી એક ઈંચ સુધી વરસાદના અહેવાલો મળે છે. 

દરમિયાન મૌસમ વિભાગ અનુસાર ગઈકાલે બુધવારે સમગ્ર દેશમાં રાજકોટ અને સુરત 36.8 સે.તાપમાન સાથે સૌથી ગરમ શહેરો રહ્યા હતા. આજે પણ રાજકોટ, સુરત ઉપરાંત વલ્લભવિદ્યાનગરમાં તાપમાનનો પારો 37 સે.ને પાર થઈ ગયો હતો અને સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. જ્યારે ગાંધીનગરમાં ન્યુનત્તમ 17.6સે.તાપમાને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. અમદાવાદ, વડોદરા, ભૂજ, કંડલા, સુરેન્દ્રનગરમાં બપોેરનું તાપમાન 36 સે.ને પાર થયું હતું. 



Google NewsGoogle News