Get The App

રાજકોટમાં કિન્નરોની ધમાલ રસ્તા પર નિર્વસ્ત્ર થઈ ચક્કાજામ

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
રાજકોટમાં કિન્નરોની ધમાલ રસ્તા પર નિર્વસ્ત્ર થઈ ચક્કાજામ 1 - image


ગુરૂ અને ચેલા વચ્ચેની માથાકુટ વકરતાં પોલીસનાં ધાડા સ્થળ પર ઉતરી પડયા બાદ મામલો થાળે પડયો, ગુરૂની ફરિયાદ પરથી ચેલા સામે ગુનો

રાજકોટ, : રાજકોટનાં ગંજીવાડા વિસ્તારમાં રહેતાં કિન્નર નિકિતા દે મીરા દે અને તેનાં ગુરૂ મીરા દે ઉર્ફે ફટાકડી વચ્ચે ચાલતો વિવાદ પોલીસ સુધી પહોંચ્યા બાદ આજે સવારે પોલીસે કોઈ કાર્યવાહી નહીં કર્યાનો રોષ વ્યક્ત કરી કિન્નરોનું ટોળુ ગુરૂ મીરા દેનાં સમર્થનમાં એ.ડિવિઝન પોલીસ મથક સામેનાં રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું અને ધમાલ મચાવી નિર્વસ્ત્ર થઈ ચક્કાજામ સર્જી દેતા થોડો સમય અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો. આખરે પોલીસનાં ધાડા સ્થળ પર ઉતરી પડયા હતાં અને સમજાવટ કરી મામલો થાળે પાડયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, નિકિતા દે એ આજે સવારે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી તેનાં ગુરૂ મીરા દે ઉર્ફે ફટાકડી તેની સાથેનાં રિક્ષા ડ્રાઈવર મકસુદ, બે કિન્નર ઉપરાંત અજાણ્યા શખ્સ સામે અરજી આપી હતી. જેથી નિકિતા દેને પ્ર.નગર પોલીસે લઈ જઈ નિવેદન નોંધ્યા બાદ પોલીસે ફરિયાદ કરવા થોરાળા પોલીસ મથકે જવાની સુચના આપી હતી.

આ વાતની જાણ થતાં જ મીરાદે અને તેનાં સમર્થનમાં ૫૦ જેટલા કિન્નરો એ ડિવિઝન પોલીસ મથકે ધસી ગયા હતાં અને નિકિતા દે અને તેનાં મળતીયાઓ વિરુધ્ધ તત્કાળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

એટલું જ નહીં નિકીતા દે વિરુધ્ધ અગાઉ કરેલી અરજી બાબતે પોલીસે કોઈ કાર્યવાહી નહીં કર્યાનો રોષ વ્યક્ત કરી કિન્નરોનું ટોળું એ.ડિવિઝન પોલીસ મથક સામેનાં રસ્તા પર ઉતરી આવ્યું હતું.

કિન્નરોનાં ટોળાએ ધમાલ મચાવી તાળીઓ પાડી નિર્વસ્ત્ર થઈ રસ્તા પર સૂઈ જઈ ચક્કાજામ સર્જી દીધો હતો. એટલું જ નહીં ઉગ્રતાથી સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતાં. જેને કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.

આટલેથી નહીં અટકતા કિન્નરોએ ફિનાઈલની બોટલો કાઢી  તેમાંથી ફીનાઈલ ફેંક્યું હતું. એટલું જ નહીં ફિનાઈલ પીવાનો પ્રયાસ કરતાં પોલીસે ઝપાઝપી કરી મહામહેનતે બોટલો પડાવી લીધી હતી. આમ છતાં બોટલોમાંથી ફીનાઈલ ઉડયું હતું.

આ ધમાલ વચ્ચે એક કિન્નરની તબીયત લથડતા રોડ પર અર્ધ બેભાન બની ગયો હતો. જેને કારણે ૧૦૮ બોલાવી પડી હતી. ઘણાં સમય સુધી કિન્નરોએ રસ્તા પર નિર્વસ્ત્ર હાલતમાં સૂઈ જઈ ધમાલ મચાવી હતી.

આખરે પોલીસનાં ધાડા સ્થળ પર ઉતરી પડયા હતાં. પોલીસે કિન્નરોને સમજાવી મામલો થાળે પાડયો હતો. નક્કી થયા મુજબ પાંચ કિન્નરોને એ ડિવિઝનનાં પીઆઈની ચેમ્બરમાં રજૂઆત કરવા મોકલાયા હતાં. રજૂઆત બાદ કિન્નરોનું ટોળું શાંતિપૂર્વક વિખેરાઈ ગયું હતું. એ.ડિવિઝન પોલીસે મીરાદે મકસુદ શેખ (ઉ.વ.25, રહે. સોની બજાર, બોઘાણી શેરી)ની ફરિયાદ પરથી નિકિતા દે વિરુધ્ધ ગાળો ભાંડી, ધમકી આપ્યાની ફરિયાદ નોંધી હતી.

ફરિયાદમાં મીરાદેએ જણાવ્યું કે, તેની સાથે આરોપી નિકિતા મંડળમાં રહેતા હતાં. અલગ અલગ જગ્યાએ ભિક્ષાવૃત્તિ દરમિયાન આરોપી નિકિતા દે લોકોને હેરાન કરતાં  હોવાની ફરિયાદ મળતાં તેને સમજાવતા નહી સમજી મોબાઈલ પર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે પહેલા નિકિતા દે એ પોલીસ કમિશનરને આપેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, મકસુદ અને મીરાદે પ્રેમી પંખીડા છે.  મીરા દે તેનાં ગુરૂ છે. પરંતુ મીરા દે અને મકસુદ  વચ્ચે પ્રેમ સંબંધ થતાં તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં મારકુટ કરી, બેફામ ગાળો બાંડતા હતાં. કયાંય જોવા મળીશ તો હાડકા બાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતાં. આ સ્થિતિમાં પગલા લેવાની માંગ કરી હતી.


Google NewsGoogle News