રાજકોટમાં 11 વર્ષથી બંધ ઐતહાસિક ટાવરોના ડંકા વાગ્યા,ઘડિયાળ ચાલુ થઈ
રાજાશાહી વખતની મૃતઃપ્રાય વિરાસત પુનર્જીવિત કરાવતા ડેપ્યુટી મેયર : તૂટેલા કાચ બદલાવાયા,કલર અને રિપેરિંગ કરાયું, અસામાજિક તત્વોને ઘુસતા રોકવા અને ટાવર ચાલુ રહે તે માટે થતી વ્યવસ્થા
રાજકોટ, : 19મી સદીના અંતમાં બનેલા રાજકોટની ઓળખ સમાન રૈયાનાકા અને બેડીનાકા ટાવર મનપાની ઈજનેરી ઉપેક્ષાથી ઈ.સ. 2011થી બંધ પડેલ હતા જેને અંતે ડેપ્યુટી મેયરના પ્રયાસથી કાર્યરત કરાયા છે અને 11 વર્ષો બાદ શહેરની ઐતહાસિક વિરાસત પુનઃજીવિત થઈ હતી અને ઘડિયાળમાં અટકેલો સમય ચાલતો થયો હતો.
રાજકોટ જ્યારે આજી નદીના કાંઠે વસેલું રજવાડું હતું જેની ફરતી તરફ વિશાળ દિવાલ હતી ત્યારે આ ટાવર, ગેઈટનું ઈ.સ. 1892માં અંગ્રેજ એન્જિનિયર દ્વારા મરમ્મત કરાવાયું હતું અને ટાવર મુકવામાં આવ્યા હતા. મહાપાલિકાએ અગિયાર વર્ષ પહેલા મનપાના આ ટાવરોના રિનોવેશનના નામે રૂ।.એક કરોડનું આંધણ કરી નાંખ્યું પણ ટાવરને ચાલુ હાલતમાં રાખ્યા નહીં અને તદુપરાંત ઉપેક્ષાવૃતિથી તેમાં તૂટફૂટ થવા લાગી હતી. એક દાયકામાં અધિકારીઓ,પદાધિકારીઓનું તેના પર લક્ષ્ય ન ગયું પણ અંતે ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહે સ્થળ તપાસ બાદ ટાવરને ધમધમતા કરવા બીડું ઉઠાવ્યું હતું અને અંતે બન્ને ટાવરો કાર્યરત થયા છે. લોકોને વર્ષો બાદ ટાવરમાં સમય જોવા મળ્યો હતો. ડેપ્યુટી મેયરે જણાવ્યું કે આ ટાવરો રાજકોટની આગવી ઓળખ છે, સંસ્કૃતિની વિરાસત છે અને હવે ભવિષ્યમાં તે ચાલુ રહે તૂટફૂટ ન થાય તે માટે પાંચ વર્ષ સુધીની મેઈન્ટેનન્સની જવાબદારી પણ ફીક્સ કરાઈ છે.