રાજકોટમાં માથાભારે તત્ત્વોએ પોલીસ ઉપર હુમલો કરી ભગાડયા
પોલીસ તંત્ર માટે અતિ શરમજનક ઘટના
ગુજસીટોકમાંથી જામીન પર છૂટેલા કુખ્યાત માજીદ ભાણુ અને તેના સાગરીતો સામે પ્ર.નગર પોલીસ મથકમાં બે ગુના નોંધાયા
રાજકોટ: રાજકોટમાં પોલીસની ઓસરી ગયેલી ધાકને કારણે ગુનેગારો, માથાભારે તત્વો અને લુખ્ખાઓ બેફામ બન્યા છે. તાજેતરમાં જ એક શખ્સે ગુંદાવાડી પોલીસ ચોકીમાં ઘૂસી મહિલા જમાદારને ધાકધમકી આપી, પોલીસ ચોકીમાં તોડફોડ કરી, ધમાલ મચાવ્યાની ઘટના તાજી જ છે, તેવામાં ગઇકાલે રાત્રે ગુજસીટોકમાં જામીન પર છૂટેલા કુખ્યાત શખ્સ અને તેની ટોળકીએ મળી બે પોલીસમેન સાથે ઝપાઝપી કરી છૂટા પથ્થરનાં ઘા કરી, બંને પોલીસમેનનેે ભગાડી મૂક્યાની સમગ્ર પોલીસ બેડા માટે શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ ડીસીપી સહિતનાં અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પરંતુ આ સમગ્ર કવાયત ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સાબિત થઇ હતી.
રૂખડીયાપરામાં મેલડી માતાનાં મંદિર પાસે રહેતા ફરીદાબેન જુસબભાઈ શેખ (ઉ.વ.૪૦)નાં જમાઇ સબીરનાં નાનાભાઇ અનવરને બજરંગવાડીમાં ગુજસીટોકમાંથી જામીન પર છૂટેલા માજીદ ભાણુ અને તેના મિત્રો સાથે માથાકૂટ થઇ હતી. જેનો ખાર રાખી ગઇકાલે રાત્રે પોણા બારેક વાગ્યાની આસપાસ માજીદ તેના સાગરીતો સાવન ઉર્ફે લાલી, સમીર ઉર્ફે ધમો, સાહીલ ભૂરો અને અજાણ્યો ઇસમ જુદા-જુદા બાઇક પર ફરીદાબેનનાં ઘરે ધસી ગયા હતા અને તેનાં પુત્ર સાજીદનાં નામની બૂમો પાડવાનું શરૂ કર્યું હતું.
જેથી ફરીદાબેને ઘરની બહાર નીકળી આ તમામ આરોપીઓને સાજીદનું શુ કામ છે તેમ પૂછતા આરોપીઓએ કહ્યું કે, તમને બધાને બહુ હવા છે, આટલું બોલ્યા બાદ છરી કાઢી ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફરીદાબેને પોતાનાં ઘર પાસે ગાળો નહીં બોલવા સમજાવતાં આરોપીઓએ તેના ઘર ઉપર કાચની બોટલોનાં ઘા કરવાનું શરૂ કરી ભય ફેલાવી દીધો હતો. જેને કારણે ફરીદાબેન ઘરમાં જતાં રહ્યા હતાં અને તત્કાળ પોલીસને કોલ કર્યો હતો. કોલ આવતાં જ પ્ર.નગર પોલીસ મથકનાં કોન્સ્ટેબલ રિયાઝ મહમદભાઈ ભીપૌત્રા અને તોફીકભાઈ દાદુભાઈ મંધરા બીજી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તત્કાળ રૂખડીયાપરા પહોંચી ગયા હતા. તે વખતે ત્યાં પ્ર.નગરનાં પીઆઇ ડોબરીયા, ડી સ્ટાફનાં પીએસઆઈ બેલીમ વગેરે પણ હાજર હતાં.
મોડીરાત્રે બે વાગ્યાની આસપાસ કોન્સ્ટેબલ તોફીકભાઈ અને બીજા કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસેનાં સ્લમ ક્વાર્ટર નજીક આવેલા કમિટી ચોક પાસે પહોંચ્યા હતાં. ત્યાં માજીદ અને તેનાં ૧૦થી ૧૨ સાગરીતો ઉભા હતા. જેમાંથી અમુકનાં હાથમાં ધોકા હતાં.
બંને કોન્સ્ટેબલોએ માજીદને બોલાવી પોલીસ તરીકેની ઓળખ આપતાં જ માજીદ ઉશ્કેરાઇ ગયો હતો. તેણે કહ્યું કે તું પોલીસ હોય તો શું થયું, અમે આ વિસ્તારનાં ડોન છીએ, આટલું કહી બંને કોન્સ્ટેબલો સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. જેથી બંને કોન્સ્ટોબલોએ ઝઘડો નહીં કરવા 'સમજાવતાં' માજીદ અને તેના સાગરીતોએ ઉગ્ર બોલાચાલી કરી અમારા વિસ્તારમાં કેમ આવ્યા છો તેમ કહી બંને કોન્સ્ટેબલો સાથે ઝપાઝપી શરૂ કરી હતી.
એટલું જ નહીં કોન્સ્ટેબલ રિયાઝભાઈનાં વાંસાના ભાગે ઢીકો માર્યો હતો. બીજા કોન્સ્ટેબલ મયુરરાજસિંહ છોડાવવા વચ્ચે પડતાં તેને પણ ગાળો ભાંડી, ઝઘડો કરવા લાગ્યા હતાં. આટલેથી નહીં અટકતા બંને કોન્સ્ટેબલો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. બંને કોન્સ્ટેબલનાં બાઇકમાં રાખેલા ધોકાથી જ તેમાં તોડફોડ કરી હતી. હુમલા બાદ બંને કાન્સ્ટેબલોએ જીવ બચાવવા પોતાનાં બાઇક મૂકી ત્યાંથી દોટ મૂકી હતી.
ત્યાર પછી તે વિસ્તારની બહાર આવી તત્કાળ પીઆઈ ડોબરીયાને જાણ કરતાં તે સ્ટાફનાં માણસો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પોલીસને મારકૂટ કરી ભગાડી મૂકાયાની આ શરમજનક ઘટના બાદ સ્થળ પર ડીસીપી, એસીપી સહિતનાં અધિકારીઓ પણ દોડી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં માજીદ અને તેના સાગરીતો ભાગી ગયા હતાં. પ્ર.નગર પોલીસે ફરીદાબેનની ફરિયાદ પરથી માજીદ અને તેનાં સાગરીતો સામે ફરિયાદ નોંધી હતી. બીજી ફરિયાદ કોન્સ્ટેબલ રિયાઝભાઈએ નોંધાવી હતી. જેનાં આધારે પોલીસે માજીદ અને તેનાં ૧૦થી ૧૨ સાગરીતો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
રાજકોટમાં પોલીસ જ અસલામત, સામાન્ય પ્રજા હવે રામ ભરોસે
રાજકોટ: રાજકોટમાં પોલીસ જ હવે અસલામત બનતાં સામાન્ય પ્રજાનું કઇ રીતે રક્ષણ કરશે તેવા સવાલો ઉઠી રહ્યાં છે. માથાભારે અને લુખ્ખા તત્વોમાં પોલીસનો હવે કોઇ ભય રહ્યો નથી તેની પ્રતિતિ કરાવતી ઘટનાઓ છાશવારે બની રહી છે. તાજેતરમાં જ એક શખ્સે ગુંદાવાડી પોલીસ ચોકીમાં ઘૂસી, મહિલા જમાદારને ધમકાવી, તોડફોડ કરી હતી. જેને કારણે પોલીસની આબરૂના ધજાગરા ઉડયા હતાં.
ગઇકાલે મોડીરાત્રે ફરીથી માથાભારે તત્વોએ બે કોન્સ્ટેબલો ઉપર હુમલો કરી તેમને પોતાના બાઇક સ્થળ પર જ મૂકી ભાગી જવા પર મજબૂર કરી દીધાની શરમજનક ઘટનાથી પોલીસ જ હવે અસલામત બન્યાનું સ્પષ્ટ બની રહ્યું છે.
શહેરમાં હાલમાં એવા એક પણ પોલીસ અધિકારી નથી કે જેના નામ માત્રથી માથાભારે તત્વો અને ગુનેગારો ગુનો કરતાં પહેલા વિચારતા હોય. આ જ કારણથી આવા તત્વો હવે પોલીસની સામે થતાં પણ અચકાતા નથી. જો પોલીસ જ શહેરમાં અસલામત બની હોય ત્યારે સામાન્ય પ્રજા જાણે રામ ભરોસે મૂકાઇ ગઇ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ સ્થિતિમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ હવે શહેરમાં કાયદો-વ્યવસ્થાનું શાસન પુનઃ સ્થાપિત થાય તે માટે કડકાઇ દાખવે તે જરૂરી બન્યું છે.