રાજકોટમાં ઢોરપકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ, ઝપાઝપી થતાં એક મહિલા ઈજાગ્રસ્ત
એક પશુને પકડતા સ્થાનિકો દ્વારા કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યોઃ મ.ન.પાના અધિકારી
રાજકોટઃ(Rajkot)ગુજરાતમાં રખડતા ઢોરને લઈને કડક કાર્યવાહી કરવાના આદેશ બાદ તંત્ર દ્વારા ઢોરપકડ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવી છે. જેના કારણે ઢોર માલિક અને ઢોરપકડ પાર્ટીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થવાના બનાવો વધી રહ્યાં છે. (RMC)આજે રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં માલધારીઓ અને ઢોરપકડ પાર્ટીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. (Cattle owners)માલધારીઓએ કોર્પોરેશનના કર્મચારીઓ સામે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.કર્મચારીઓ અને માલધારીઓ વચ્ચેના ઘર્ષણમાં એક મહિલાને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.(cattle grabbing party) સમગ્ર ઘર્ષણનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
ઢોરપકડ પાર્ટી અને ઢોરમાલિકો વચ્ચે ઘર્ષણ થવાનો બનાવ
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં કોર્પોરેશનની ઢોરપકડ પાર્ટી અને ઢોરમાલિકો વચ્ચે ઘર્ષણ થવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં મહિલાઓ અને મહિલા સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન એક મહિલાને ઈજા થતાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ મહિલાના પુત્રએ મીડિયાને કહ્યું હતું કે, અમે સવારે ગાયને દોહવા માટે બહાર કાઢી હતી ત્યારે કોર્પોરેશનની ટીમ ત્યાં આવી અને ગાયોને ડબ્બામાં પુરી દીધી હતી. અમે વિરોધ કરતાં માથાકૂટ થઈ હતી અને મારા માતાને ઈજા પહોંચી હતી.
ગાંધીગ્રામ પોલીસને રજૂઆત કરવામાં આવી
મનપાના અધિકારી ભાવેશ જાકાસણિયાએ મીડિયાને નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આજે સવારે અમારી ટીમો ગાંધીગ્રામ નજીક આવેલા ગૌતમનગર-4માં ઢોર પકડવા માટે ગઈ હતી. જ્યાં ત્રણ પશુઓને પશુપાલકોએ હંકારી કાઢ્યાં હતાં. અન્ય એક પશુને પકડતા સ્થાનિકો દ્વારા કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારા સ્ટાફ સાથે ઝપાઝપી પણ કરી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસને રજૂઆત કરવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું.