પાટડીમાં મહિલા સફાઈ કાર્મને સગીર બાઈક ચાલકે અડફેટે લેતા ઈજાગ્રસ્ત
- પોલીસે સગીર બાઇક ચાલકને ઝડપી બાઈક ડિટેઈન કર્યું
- ઇજાગ્રસ્ત મહિલા સફાઇકર્મીને સારવાર અર્થે વિરમગામની હોસ્પિટલમાં ખસેડાયા
- શહેરમાં સગીરોને બાઈક આપી દેતા વાલીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી
સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના પાટડી શહેરી વિસ્તારમાં આવેલી સરકારી ગેસ્ટ હાઉસ રોડ પર સફાઈ કરતી મહિલા કામદારને સગીર બાઈક ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે મામલે પોલીસે સગીરને ઝડપી લઈ બાઈકને ડિટેઈન કરી કાર્યવાહી હાથધરી હતી.
શહેરના સરકારી ગેસ્ટહાઉસ રોડ પર નગરપાલિકાના મહિલા સફાઈ કામદાર સોનલબેન અશોકભાઈ પાટડીયા રસ્તા પર સફાઈ કરી રહ્યાં હતાં. ત્યારે સગીર વયના બાઈક ચાલકે પોતાનું બાઈક પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મહિલા સફાઈ કામદારને અડફેટે લેતા છાતીના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ પાટડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં પાટડી નગરપાલિકાનો સ્ટાફ પાટડી પોલીસ મથકે ઉમટી પડયો હતો અને અકસ્માત સર્જનાર સગીર બાઈક ચાલક સામે કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર સગીરને ઝડપી લઈ બાઈકને ડિટેઈન કરી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાટડી શહેરમાં છેલ્લા ઘણા સમયથી સગીર ઉંમરના યુવકો દ્વારા નિયમોનું ઉલંધ્ધન કરી પુરપાટ બાઈક ચલાવતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે જે અંગે અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાંય કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી અને અંતે વધુ એક મહિલાને અકસ્માતનો ભોગ બનવાનો વારો આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા સગીરોને બાઈક આપી દેતા વાલીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.