વાડે ગળ્યા ચિભડા? દબાણના નામે નાગરિકોના ઘર-દુકાનો દૂર કરતી સુરત પોલીસે જ ફૂટપાથ પર ઊભી કરી પોલીસ ચોકી
The Surat Police Set Up A Police Post On The Sidewalk : સામાન્ય નાગરિકોના ઘર અને દુકાનોના દબાણ દૂર કરતી સુરત પોલીસે જ ફૂટપાથ પર દબાણ કર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે.. શહેરના પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકીની ઈમારત બનાવવામાં આવી છે. પાર્કિંગ વગર રોડને અડીને બનાવાયેલી પોલીસ ચોકી અંગે સુરતના એક સ્થાનિકે ગૃહ રાજ્ય મંત્રી, રાજ્ય પોલીસ વડા, સુરત પોલીસ કમિશ્નર અને સુરત મહાનગરપાલિકાના કમિશ્નરને ફરિયાદ કરી છે. જેમાં અરજદારે સવાલ ઉઠાવ્યા છે કે સામાન્ય નાગરીકોના દબાણ મુદ્દે કાર્યવાહી કરતુ પ્રશાસન આ પ્રકારના ગેરકાયદે બાંધકામ અંગે કેમ કાર્યવાહી નથી કરતું? જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે? તેવો પણ સવાલ અરજીમાં કર્યો છે.
કયા નિયમો ભંગ કરવાનો આક્ષેપ
અરજદારે ફરિયાદમાં આક્ષેપ લગાવ્યો છે કે પોલીસ ચોકીનું બાંધકામ મહાનગરપાલિકાના નીતિ નિયમ મુજબ નથી. અને બાંધકામ માટે કોઈ મંજુરી નથી લેવાઈ કે કોઈ પ્લાન પણ પાસ કરાવવામાં નથી આવ્યો. બાંધકામમાં રોડની સીમાથી ત્રણ મીટરનું અંતર જળવાવું જોઈએ તે નિયમનો પણ ભંગ થયો છે. ફૂટપાથની ઉપર અંદાજે ચાર ફૂટનું દબાણ કરી ચોકી બનાવાઈ હોવાનો દાવો કરાયો છે.
તાત્કાલિક ધોરણે તોડી પાડવી જોઈએ : અરજદાર
અરજદારનો દાવો છે કે માર્જિન છોડ્યા વગર ફૂટપાથ પર દબાણ કરી ગેરકાયદે પોલીસ ચોકી બનાવાઈ છે. આવું બાંધકામ કરી પોલીસ પ્રજામાં ખોટો સંદેશ આપી રહી છે. જેથી આ ઈમારત તાત્કાલિક ધોરણે તોડી પાડી કાયદેસરની મંજૂરી સાથે ચોકી બનાવવી જોઈએ તેવો પ્રશાસને હુકમ કરવો જોઈએ. સાથે જ ગેરકાયદે ઈમારત બનાવવા માટે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરકની કાર્યવાહી કરવાની માગ કરી છે. અને તે લોકો પાસે જ નુકસાનની ભરપાઈ કરાવાય તેવો હુકમ કરવા ગૃહ રાજ્ય મંત્રી અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.
આ મુદ્દે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઉથ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસ ડી પ્રજાપતિએનું કહેવું છે કે આ અંગેની કોઈ ફરિયાદ તેમને નથી મળી. સોમવારે આ અરજી મુદ્દે જાણકારી પ્રાપ્ત કરી માહિતી આપશે તેવું જણાવ્યું હતું.