પાલમાં શ્રમજીવી તરૂણીનો હાથ પકડી અંધારમાં ખેંચી જવાનો પ્રયાસ કરનાર પકડાયો
- આરટીઓ પાછળ ઝુંપડપટ્ટીમાં દુકાનેથી દૂધ અને શેમ્પૂ લઇ ઘરે જઇ રહી હતી ત્યારે પરિચીતે રસ્તામાં અટકાવીઃ બચાવવાનો પ્રયાસ કરનાર નાના ભાઇને ધક્કો મારી ફેંકી દીધો
સુરત
પાલ આરટીઓ પાછળ ઝુંપડપટ્ટીમાં દુકાનમાંથી દૂધ અને શેમ્પૂ લઇ પરત ઘરે જઇ રહેલી તરૂણીને રસ્તામાં આંતરી કનડગત કરવા ઉપરાંત હાથ પકડીને જબરજસ્તી અંધારામાં લઇ જવાનો પ્રયાસ કરનાર હમવતની પરિચીત યુવાનની અડાજણ પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
પાલ-ઉમરા તાપી બ્રિજ વિસ્તારમાં રહેતા અને બાંધકામ મજૂરી કામ કરતા દંપતીની 17 વર્ષીય પુત્રી કવિતા (નામ બદલ્યું છે) માતા સાથે મજૂરી કામ ઉપરથી પરત આવ્યા બાદ પાલ આરટીઓની પાછળ ઝુંપડપટ્ટીમાં આવેલી દુકાનમાંથી શેમ્પૂ, દૂધ લેવા ગઇ હતી. જયાંથી પરત આવી રહી હતી ત્યારે હમવતની પરિચીત રાજુ ઉર્ફે શેરાએ રસ્તાની વચ્ચે બે હાથ ઉંચા કરી કવિતાને અટકાવી કનડગત કરી હતી. પરંતુ કવિતા દોડીને પોતાના ઘર તરફ જઇ રહી હતી ત્યારે પીછો કર્યો હતો અને પાલ-ઉમરા બ્રિજ નીચે અટકાવી તેનો હાથ પકડી બદઇરાદે અંધારામાં લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. આ અરસામાં કવિતાની શોધખોળ કરતા તેનો ભાઇ આવ્યો હતો પરંતુ રાજુએ તેને પણ ધક્કો મારી ફેંકી દીધો હતો. આ પ્રકરણમાં કવિતાના પરિજનો દોડી આવતા ત્યાંથી ભાગી જનાર રાજુ ઉર્ફે શેરા શેરા તેરસિંગ નેટરતા (રહે. પાલ આરટીઓ પાછળ ઝુંપડપટ્ટીમાં, સુરત અને મૂળ. નાના પાડલા, તા. દાહોદ, ઝાલોદ) ને અડાજણ પોલીસે ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.