જસદણના નાની લાખાવડ ગામમાં ગૃહ કંકાસના કારણે પત્નીના હાથે પતિની હત્યા
આરોપી પત્ની સકંજામાં,પુત્ર પણ હત્યામાં સામેલ હોવાની શંકાએ તપાસ : સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતને મકાનમાં જ પત્નીએ દાંતરડા અને ધારીયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા: પોલીસ કાફલો ઘટના સ્થળે
જસદણ, જસદણના નાની લાખાવડ ગામમાં ગૃહ કંકાસના કારણે વિફરેલી પત્નીએ પતિને પોતાના રૂમમાં જ દાંતરડા અને કુહાડીના ઘા ઝીંકી હત્યા નિપજાવતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતાં જસદણ પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.અને મહિલા આરોપીને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી. હત્યા થયેલ ખેડૂતનો પુત્ર પણ ખૂની હુમલામાં સામેલ હોવાની શંકાએ પોલીસે તેમની પણ પૂછતાછ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, જસદણના નાની લાખાવડ ગામમાં સિમ વિસ્તારમાં રહેતી વલ્લભભાઈ અરજણભાઈ બાવળીયા (ઉ.વ. 48) તે તેમના પુત્ર અને પત્ની સાથે વાડીએ જ રહે છે. ગઈ રાતે પોતે ઘરે હતાં ત્યારે મોડી રાતે કોઈ બાબતે તેની પત્ની સાથે ઝઘડો થયાં બાદ ઉશ્કેરાયેલ તેની પત્નીએ દાંતરડા અને કુહાડીના ઘા તેમના પતિ પર ઝીંકી દિધા હતાં.
ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતે ત્યાં જ દમ તોડી દિધો હતો. બનાવ અંગે જસદણ પોલીસને જાણ થતાં પીઆઈ ટી. બી. જાની સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમમાં ખસેડી ખેડૂતની હત્યા નિપજાવનાર તેની પત્નીને સકાંજામાં લઈ સઘન પૂછતાછ હાથ ધરી હતી.
વધુંમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દંપતી વચ્ચે ઘણાં સમયથી ગૃહક્લેશ ચાલતો હતો.અને ગઈ રાતે પણ દંપતી વચ્ચે ઝઘડો થતાંપત્નીએ ખૂની હુમલો કરી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવમાં તેનો પુત્ર પણ સામેલ હોવાની શંકાએ તેની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.