બે સંતાનના પિતા એવો મનોવિકૃત પંદર દિવસથી કનડગત કરતો હતો: નાના વરાછામાં 10 વર્ષની બાળાને બિભત્સ વિડીયો બતાવી બાઇક પર બેસાડી જવા પ્રયાસ

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
બે સંતાનના પિતા એવો મનોવિકૃત પંદર દિવસથી કનડગત કરતો હતો: નાના વરાછામાં 10 વર્ષની બાળાને બિભત્સ વિડીયો બતાવી બાઇક પર બેસાડી જવા પ્રયાસ 1 - image




- માતા-પિતા સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી બાળા ગુડ ટચ બેડ ટચની માહિતી આપનાર મહિલા કોન્સ્ટેબલને જોઇને ભેટી પડી

સુરત

શહેરના નાના વરાછા વિસ્તારમાં રહેતી ધો. 6 ની વિદ્યાર્થીનીને રસ્તામાં આંતરી મોબાઇલમાં બિભત્સ ફોટો બતાવી અશ્લીલ ઇશારા કરી કનડગત કરતા મામલો ઉત્રાણ પોલીસમાં પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી પોલીસે બાળા સાથે અઘટિત ઘટનાને અંજામ આપવાનો બદ્દઇરાદો ધરાવતા બે બાળકના પિતા એવા મનોવિકૃત નરાધમ રત્નકલાકારને ઝડપી પાડયો હતો. 

નાના વરાછા વિસ્તારમાં રહેતી અને ધો. 6 માં અભ્યાસ કરતી 10 વર્ષીય બાળાએ ગત રોજ ડરતા-ડરતા માતા-પિતાને કહ્યું હતું કે એક અંકલ રોજ મારો પીછો કરે છે અને મોબાઇલમાં ગંદા-ગંદા ફોટો તથા વિડીયો બતાવી બાઇક પર બેસવાનું કહે છે. અંકલ અગાઉ પણ ત્રણથી ચાર વખત આવું કર્યુ છે એમ કહેતા માતા-પિતા ચોંકી ગયા હતા અને બાળકી સાથે અક્ષોભનીય હરકત કરનાર મનોવિકૃતની શોધખોળ કરી હતી. પરંતુ બાઇક ચાલકનો પત્તો નહીં મળતા ગત રોજ માતા-પિતા બાળકીને લઇને ઉત્રાણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જયાં બાળકી મહિલા પો. કોન્સ્ટેબલ પૂજાબેન પાસે દોડી ગઇ હતી અને ચ્હેરા ઉપર ડરના ભાવ સાથે પોતાને બચાવવા માટે વિનંતી કરતા કહ્યું હતું કે મેમ તમે અમારી સ્કૂલમાં આવ્યા હતા અને બેડ ટચ તથા ગુડ ટચની માહિતી આપી હતી.

બે સંતાનના પિતા એવો મનોવિકૃત પંદર દિવસથી કનડગત કરતો હતો: નાના વરાછામાં 10 વર્ષની બાળાને બિભત્સ વિડીયો બતાવી બાઇક પર બેસાડી જવા પ્રયાસ 2 - image

જેને પગલે ઉત્રાણ પીઆઇ આશિષ મહંત અને પીએસઆઇ હેતલ કડછાએ સમગ્ર બાબતને ગંભીરતાથી લઇ બાળકીનો વિશ્વાસ કેળવી પૂછપરછ કરી તેની સાથે જે વિસ્તારમાં ઘટના બની હતી તે અંગેની માહિતી મેળવી હતી. ત્યાર બાદ અલગ-અલગ ટીમ બનાવી જે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કેન્દ્રિત કરી બાળકીને મોબાઇલમાં બિભત્સ વિડીયો અને ફોટો બતાવી ગંદા ઇશારા કરવાની સાથે બાઇક પર બેસવાનું કહેનાર મનોવિકૃત નરાધમ એવા રત્નકલાકાલ અરવિંદ વલ્લભ નાકરાણી (ઉ.વ. 42 રહે. જલારામ સોસાયટી, નાના વરાછા) ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ બે બાળકનો પિતા છે અને તેની કરતૂત સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.


Google NewsGoogle News