નડિયાદમાં ફૂવાએ દુષ્કર્મ આચરી સગીર ભત્રીજીને ગર્ભવતી બનાવી
- નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદ રાજકોટ ટ્રાન્સફર કરી
- 5 સંતાનના પિતાએ દીકરી સમાન 16 વર્ષની ભત્રીજી પર રાજકોટમાં કુકર્મ આચર્યું હતું
નડિયાદ શહેરમાં એક વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને તેના પિતા સમાન ફૂવાએ જ હવસનો શિકાર બનાવી છે. ફૂવાએ સગીર ભત્રીજી પર શારિરીક અત્યાચાર ગુજાર્યો અને તેણીને રાજકોટ લઇ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. દરમિયાન સગીરાને ગર્ભ રહી જતાં આ સમગ્ર વાત બહાર આવી હતી. આ મામલે સગીરાના પરિવારજનોએ સગીરાને પુછપરછ કરતા સમગ્ર કૃત્ય ફૂવાએ જ કર્યું હોવાનું જણાવતા સગીરાના માવતરને પગ તળેથી જમીન સરકી ગઈ હતી. હાલ આ સમગ્ર મામલે પરિવારજનોએ ગત મોડી રાત્રે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ દાખલ કરાવી છે. બીજી બાજુ પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કૃત્ય આચરનારો શખ્સ પોતે પાંચ સંતાનોનો પિતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ બનાવ મામલે નડિયાદ ટાઉન પીઆઇ એમ.બી. ભરવાડે જણાવ્યું કે, આ શ્રમીક પરિવાર છે, રોજેરોજ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. મજૂરી દરમિયાન સગીરાને રાજકોટ ખાતે તેના ફૂવાએ દુષ્કર્મ આચર્યું છે. જોકે સગીરાને ગર્ભ રહી ગયો હોવાથી મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ આ સમગ્ર ઘટના રાજકોટ બની હોવાથી આ ફરિયાદ ઝીરો નંબરથી અમે ત્યાં ટ્રાન્સફર કરી છે.