મેટોડામાં કન્ટેનરે લગ્નમાં જતાં પિતા-પુત્રને ચગદી નાખ્યા
મેટોડા GIDC ગેઇટ નં. 1 પાસે જીવલેણ અકસ્માત : મૃતકો મૂળ જેતપુરના ઉમરાળી તાલુકાના, હાલ લોધિકાના વડવાજડી ગામે રહેતા હતા
રાજકોટ, : રાજકોટના સંત કબીર રોડ પર ગત સોમવારે સવારે બાઇક પર જતાં પિતા-પુત્રને ટેન્કરે કચડી નાખ્યા હતા. આ જ પ્રકારનો અકસ્માત આજે સવારે મેટોડા જીઆઈડીસી પાસે સર્જાયો હતો. જેમાં ૧૪ વ્હીલવાળા કન્ટેનરે બાઇક પર જતાં પિતા-પુત્રને ચગદી નાખતા અરેરાટી વ્યાપી ગઇ હતી. મેટોડા પોલીસે કન્ટેનર ચાલકની અટકાયત કરી હતી. બંને પિતા-પુત્ર લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડયો હતો. જેને કારણે પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જેતપુરના ઉમરાળી તાલુકાના અને અને હાલ લોધીકા વડવાજડી ગામે રહેતા સંજયસિંહ (ઉ.વ. 35), પિતા જીલુભા ભાટી (ઉ.વ. 62)ને બાઇક પાછળ બેસાડી આજે સવારે મેટોડા જીઆઈડીસી ગેઇટ નં. 1 પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાંથી નીકળેલા કન્ટેનરે હડફેટે લીધા બાદ તેમના શરીર પરથી કન્ટેનરના તોતીંગ વ્હીલ ફરી વળતાં સ્થળ પર કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
જાણ થતાં મેટોડા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. તત્કાળ કાર્યવાહી કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. મૃતક સંજયસિંહને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. મેટોડાના પીએસઆઈ ગોહીલે જણાવ્યું કે મૃતક સંજયસિંહ મેટોડા જીઆઈડીસીમાં ગેઇટ નં. 2માં આવેલ બાલાજી મલ્ટી પ્રેસ નામના કારખાનામાં નોકરી કરતા હતા. જ્યારે તેના પિતા વડવાજડી ગામે ખેતી કરે છે. બંને આજે લગ્નપ્રસંગમાં જવા માટે વડવાજડી જતા હતા ત્યારે આ અકસ્માત નડયો હતો.
મેટોડા જીઆઈડીસીનાં ગેઇટ નં. 1 પાસેથી કન્ટેનરે ટર્ન લીધા બાદ પિતા-પુત્રના બાઇકને હડફેટે લીધા હતાં. બન્નેના પેટ સહિતના ભાગો પરથી કન્ટેનરના તોતીંગ વ્હીલ ફરી વળતાં માંસના લોચા નીકળી ગયા હતા. જેને કારણે સ્થળ પર અરેરાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતાં. જે તે વખતે અકસ્માત સર્જી ભાગી ગયેલાં કન્ટેનરના ચાલકને બાદમાં મેટોડા પોલીસે ઝડપી લીધો હતો. જો કે મૃતકના પરિવારના સભ્યો અંતિમવિધિમાં હોવાથી મોડીસાંજ સુધી પોલીસ ફરિયાદ લઇ શકી ન હતી.