મકરપુરામાં બૂટલેગર પર ચાકૂના ઉપરાછાપરી પાંચ ઘા ઝીંકી દીધા
ઇજાગ્રસ્ત બૂટલેગરના પેટના આંતરડા બહાર નીકળી ગયા : સયાજીમાં સારવાર હેઠળ
વડોદરા,મકરપુરા પોલીસ સ્ટેશનમાં સાત દિવસ અગાઉ દાખલ થયેલા પ્રોહિબીશનના કેસમાં પોતાનું નામ આરોપી તરીકે લખાવી દીધું હોવાની અદાવત રાખી યુવકે બૂટલેગરના ઘરે જઇ ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા તેના પેટના આંતરડા બહાર નીકળી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. મકરપુરા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે.
મકરપુરા ડેપોની પાછળ નારાયણ ઘરમાં રહેતો શિવજીતસિંહ ચંદ્રપાલ સિંહ રાજપૂત શાકભાજીનો વેપાર કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશન નોંધાવી જણાવ્યું છે કે, મારો નાનો ભાઈ હરિઓમ ડ્રાઇવિંગ નું કામ કરે છે. મારી પત્નીની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલતી હોઇ હું હોસ્પિટલ ગયો હતો. ગઇકાલે રાતે આઠ વાગ્યે હું ઘરે ગયો હતો. મારો નાનો ભાઇ હરિઓમ ઘરે હતો. જમીને હું હોસ્પિટલ જતો હતો. તે સમયે અમારા ઘરની નજીક રહેતી મહિલાએ મને ફોન કરીને કહ્યું હતું કે, હરિઓમને ચપ્પુના ઘા માર્યા છે. જેથી, હું તરત ઘરે આવવા નીકળ્યો હતો. પરંતુ, રસ્તામાં મને કોલ કરીને જણાવવામાં આવ્યું હતું કે, હરિઓમને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા છે. મારો ભાઇ લોહીલુહાણ હાલતમાં હતો. અમારી સોસાયટીના યુવકે પૂછતા તેણે જણાવ્યું હતું કે, જતીન રાઠવા અને તેનો મિત્ર પ્રવિણ ટુ વ્હીલર પર આવ્યા હતા. હરિઓમને જતીન ઘરની બહાર લઇ ગયો હતો. ત્યારબાદ જતીને હરિઓમ પર ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકવાનું શરૃ કર્યુ હતું. હરિઓમને ગળા, પેટના ભાગે પાંચ ઘા મારી દીધા હતા. હરિઓમ ત્યાંથી જીવ બચાવવા માટે ભાગ્યો હતો. જતીન પણ તેની પાછળ ચપ્પુ લઇને દોડયો હતો. પરંતુ, લોહીલુહાણ હાલતમાં હરિઓમ સોસાયટીના ગેટ પાસે જ ઢળી પડયો હતો. જતીન સરદારસિંહ રાઠવા (રહે.રામ નગર, મકરપુરા) એ એટલા ઝનૂનથી હુમલો કર્યો હતો કે, હરિઓમના પેટના આંતરડા પણ બહાર નીકળી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, સાત દિવસ અગાઉ મકરપુરા પોલીસ હરિઓમને રિક્ષામાં દારૃ લઇને આવતા ઝડપી પાડયો હતો. હરિઓમે આ દારૃનો જથ્થો જતીન સહિત અન્યને આપવાનો હોવાનું પોલીસને જણાવતા પોલીસે જતીનને પણ આરોપી દર્શાવી ગુનો દાખલ કર્યો હતો. પોતાનું નામ ખોટી રીતે લખ્યું હોવાની રિસ રાખીને જતીને જીવલેણ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ટોળાએ હુમલાખોર જતીનને પણ ઝડપી પાડી માર માર્યો
વડોદરા,આજુબાજુના લોકો હરિઓમને બચાવવા દોડી આવ્યા હતા. જતીનની સાથે આવેલા પ્રવિણે કમરના પટ્ટા વડે ટોળા પર હુમલો કર્યો હતો. જ્યારે જતીન પણ ચપ્પુ બતાવી ટોળાને ધમકાવતો હતો.ઉશ્કેરાયેલા ટોળાએ જતીનને ઘેરી લીધો હતો. ટોળામાંથી કેટલાક લોકોએ જતીનને માર માર્યો હતો.તેના માથામાં, ડાબી આંખ પર, ગાલ, હોઠ તથા નાક પર ઇજા થઇ હતી. જતીનને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જતીનને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
વડોદરા,જતીન અને હરિઓમને શરૃઆતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ સયાજી હોસ્પિટલમાં બંને પક્ષના લોકો વચ્ચે ઝઘડો થતા મર્ડર થઇ ગયું હતું. જે બનાવને ધ્યાને લઇ પોલીસે જતીનને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. ઉલ્લેખનીય છે કે, હરિઓમને કિડનીની પણ બીમારી છે. જેના કારણે તેની હાલત વધુ નાજુક છે.