Get The App

માધવપુર(ઘેડ)માં ધૂળેટીએ ભગવાન શ્રીકૃષ્ણના વિવાહની કંકોતરી લખાશે

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
માધવપુર(ઘેડ)માં ધૂળેટીએ  ભગવાન શ્રીકૃષ્ણના વિવાહની કંકોતરી લખાશે 1 - image


રામ નવમીથી  શ્રીકૃષ્ણ - રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ શરૂ થશે : માધવરાયજી મંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણજી વાજતે - ગાજતે શોભાયાત્રા ગામમાં ફરી મધુવન પહોંચશે, ત્યાં ભવ્ય ફુલડોલ ઉત્સવ ઉજવાશે 

માધવપુર (ઘેડ), : માધવપુર (ઘેડ)માં રામનવમીથી તેરસ સુધી પાંચ દિવસ વર્ષોથી પરંપરા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ સાથે રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ મહોત્સવ ઉજવાય છે. ભગવાનના લગ્ન પ્રસંગ અંતર્ગત ધૂળેટીએ તા.૨૫ના રોજ ભગવાનના લગ્નની કંકોતરી લખવામાં આવશે. આ માટે વાજતે - ગાજતે ભગવાન શ્રીકૃષ્ણ મધુવન જશે. ત્યાં ભવ્ય ફુલડોલ ઉત્સવ ઉજવાશે તથા ભગવાનની કંકોતરી લખાશે. 

માધવપુર (ઘેડ)માં તા. 25ને સોમવારના રોજ શ્રીકૃષ્ણ પ્રભુ માધવરાય મંદિરેથી બપોરના 4 વાગ્યે રવાડીમાં બિરાજી ફુલડોલ ઝુલવા ઢોલ - શરણાઇના સૂરે કિર્તનકારો સાથે ભાવિક ભાઇ - બહેનો સાથે મધુવનમાં જશે. ત્યાં મધુવનમાં આવેલ. રાણના ઝાડ ઉપર ઝુલામાં શ્રીકૃષ્ણ પ્રભુને બેસાડવામાં આવશે. અને સૌ આવેલા નાના મોટાભાઇઓ તથા બહેનો શ્રીકૃષ્ણ પ્રભુને અબીલ - ગુલાલ વડે રંગે રમાડશે. અને ઝુલે ઝુલાવશે. ભગવાન સંગે ભાવિકો ફુલડોલ ઉત્સવ ઉજવશે. 

ત્યારબાદ શ્રીકૃષ્ણ પ્રભુજી રૂક્ષ્મણીના મઢે એટલે કે શ્રી મહાપ્રભુજીના બેઠકજી પાસે આવેલ જે રૂક્ષ્મણીજીનું પિયર કહેવાય છે. ત્યાં પધારશે.ત્યાં શ્રીકૃષ્ણ પ્રભુનું સ્વાગત રૂક્ષ્મણીજીના પિયરીયાઓ કરશે. પછી ત્યાં વિશ્રામ કરવા રવાડીમાં બેસાડાશે. કિર્તનકારો કિર્તન કરશે. શ્રીકૃષ્ણને શીતલ જળ અને મેવો એટલે કે ફુટ સામગ્રી ધરાવી આરતી ઉતારશે. ત્યારબાદ વિધિવત શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્નની કંકોતરી બન્નેપક્ષોની સમજુતીથી લખાશે. મોર પીંછ દ્વારા કંકોતરી લખવામાં આવશે. કંકોતરી લખાશે. ત્યારે બહેનો લગ્ન ગીતોની સમઝટ બોલાવશે. વિધિવત કંકોતરી લખાયા બાદ પધારેલા સર્વે ભકતોમાં શીતલ - જળ અને પ્રસાદ વહેંચવામાં આવશે. 

ભગવાન શ્રીકૃષ્ણની કંકોતરી લખાયા બાદ માધવપુર ઘેડ પંથકના લોકો પોતાનો કુંવર પરણતો હોય તેમ શ્રીકૃષ્ણ - રૂક્ષ્મણીના લગ્નની તડામાર તૈયારીમાં પડી જશે. બહેનો પોત - પોતાના ઘરે અને માધવરાયજી મંદિરમાં લગ્ન ગીતોની રમઝટ બોલાવશે. ભગવાન શ્રીકૃષ્ણના રૂક્ષ્મણી સંગ લગ્નોત્સવ રામનવમીથી પાંચ દિવસ ઉજવાશે. 


Google NewsGoogle News