લીંબાયતમાં મહિલાનું મંગળસૂત્ર તોડી બાઈક પર ફરાર થયેલું પાલનું દંપતી ઝડપાયું
સંતોષીનગરમાં રહેતી મહિલા બે બાળકો સાથે ખરીદી માટે નીકળી હતી ત્યારે રસ્તો ક્રોસ કરતી વેળા બાઈકસવાર મહિલાએ ચીલઝડપ કરી હતી
- સંતોષીનગરમાં રહેતી મહિલા બે બાળકો સાથે ખરીદી માટે નીકળી હતી ત્યારે રસ્તો ક્રોસ કરતી વેળા બાઈકસવાર મહિલાએ ચીલઝડપ કરી હતી
સુરત, : સુરતના લીંબાયત શાંતિનગરમાં રવિવારે સવારે બે બાળકો સાથે ચંપલ ખરીદવા ગયેલી મહિલા રસ્તો ક્રોસ કરતી હતી ત્યારે બાઈક પર આવેલા દંપતી પૈકી મહિલાએ રૂ.17,100 ની મત્તાનું મંગળસૂત્ર આંચકી લીધું હતું અને ફરાર થઈ ગયા હતા.જોકે, ગોડાદરા પોલીસે તેમને ઝડપી પાડી લીંબાયત પોલીસને સોંપ્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં લીંબાયત સંતોષીનગર ઘર નં.162 માં રહેતા જગદીશભાઇ ગંગાધરભાઇ લીમજે લુમ્સના કારખાનામાં નોકરી કરે છે.ગત સવારે તેમના પત્ની શાલુબેન ( ઉ.વ.31 ) પુત્રી રીયા અને પુત્ર આયુષ સાથે ચંપલ ખરીદવા શાંતિનગરમાં ગયા હતા.તે બાળકો સાથે આશાપુરી મોબાઈલ શોપની સામે રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે પાછળથી એક બાઈક આવી તેમની નજીક ઉભું રહ્યું હતું.બાઈક પર એક યુવાન અને પાછળ એક મહિલા હતી.શાલુબેન કંઈક સમજે તે પહેલા પાછળ બેસેલી મહિલાએ તેમના ગળામાં હાથ નાંખી રૂ.17,100 ની મત્તાનું 4.700 ગ્રામ સોનાનું મંગળસૂત્ર આંચકી લીધું હતું અને બંને બાઈક પર ગોડાદરા હરિઓમ સર્કલ તરફ ભાગી ગયા હતા.બનાવ અંગે શાલુબેને બાદમાં લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન, ગોડાદરા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન મંગળસૂત્ર તોડી ફરાર થયેલા બેકાર કિશોરભાઇ ભીખુભાઇ ખરોડિયા ( ઉ.વ.35, રહે.બિલ્ડિંગ નં-ડી/04, મકાન નં.109, સુડા આવાસ, પાલ રોડ, એલ.પી સવાણી સ્કુલ પાસે, અડાજણ, સુરત ) અને તેની પત્ની રચનાબેન ( ઉ.વ.39 ) ને ઝડપી પાડી તેમની પાસેથી મંગળસૂત્ર અને બાઈક મળી કુલ રૂ.37 હજારનો મુદ્દામાલ કબજે કરી તેમનો કબજો લીંબાયત પોલીસને સોંપ્યો હતો.