પરિણીતાને ૨૫ તોલા સોનું અને દસ લાખ રોકડા લાવવા સાસરિયાંનું દબાણ
પતિ સહિત ત્રણ સામે ગુનો દાખલ કરાયો
શેરબજારમાં કરેલા રૃપિયા ૪૦ લાખના દેવાના રૃપિયા પણ પરિણીતા પાસે માંગવામાં આવ્યા ઃ મહિલા પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગરમાં રહેતી પરિણીતાને ૨૫ તોલા સોનું અને દસ લાખ રૃપિયા રોકડા લાવવાની સાથે પતિએ કરેલા ૪૦ લાખના દેવાને ભરપાઈ કરવા માટે પણ સાસરીયાઓ દ્વારા દબાણ કરીને ત્રાસ આપવામાં આવતો હતો. આખરે કંટાળીને આ મહિલાએ પતિ સહિત ત્રણ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.
છેલ્લા ઘણા સમયથી સમાજમાં દહેજને લઇ પરણીતાઓ ઉપર ત્રાસ
ગુજારવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેરના સેક્ટર
૨૬માં રહેતી વધુ એક મહિલા દહેજ મામલે સાસરીયાઓના ત્રાસનો ભોગ બની છે. જે ઘટના અંગે
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વર્ષ ૨૦૨૨ના ડિસેમ્બર મહિનામાં તેણીના કોર્ટ
મેરેજ થયા હતા અને ત્યારબાદ સામાજિક રીતે મહેસાણા ખાતે રિસેપ્શન યોજવામાં આવ્યું
હતું ત્યારે લગ્નના પાંચ દિવસ બાદ જ સાસરિયાઓ દ્વારા ૨૫ તોલા સોનું, ૨૫ જોડી કપડાં
અને દસ લાખ રૃપિયા તેમજ એક કારની માગણી કરીને ત્રાસ ગુજારવાનું શરૃ કરવામાં આવ્યું
હતું. ત્યારબાદ પતિ તેને ગાંધીનગર નજીક આવેલા ગામમાં રહેવા માટે લઈ આવ્યો હતો અને
તેણી સાથે યોગ્ય વર્તન નહીં કરી ત્રાસ આપતો હતો. તેને ઘર ખર્ચ માટે પણ રૃપિયા આપતો
નહોતો. દરમિયાનમાં પતિ શેરબજારમાં ૪૦ લાખ રૃપિયાના દેવામાં ગરકાવ થઈ જતા તે રકમ પણ
પત્ની પાસે માગીને ત્રાસ આપવામાં આવતો હતો. પત્ની પાસેથી ૩.૫૦ લાખ રૃપિયા રોકડા
અને ૧૫ તોલા સોનાના દાગીના પણ પડાવી લેવામાં આવ્યા હતા. ગત જૂન મહિનામાં તેણીને
પતિએ તરછોડી દીધી હતી અને રૃપિયા હોય તો જ તેની પાસે આવવા કહ્યું હતું. આખરે
કંટાળીને આ મહિલાએ મહિલા પોલીસ મથકમાં સાસુ,સસરા
સહિત પતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
કોની કોની સામે ફરિયાદ નોંધાઇ
હ રાહુલ સુરેશ મોદી
હ કૈલાશબેન સુરેશ મોદી
હ નિતાબેન સુરેશ મોદી
તમામ રહે.મોદીવાસ, ગામ ઊડણી, તા.વડનગર જી.મહેસાણા