ખેડા જિલ્લામાં દોરી વાગવાથી 5 યુવકોના ગળા અને મોંઢા ચિરાયા
- સદનસિબે કોઈ જાનહાનિ ન થતા હાંશકારો
- નડિયાદમાં હેલીપેડ અને ભડાણ ચોકડી સહિત મહેમદાવાદ, કઠલાલ અને માતરમાં ઈમર્જન્સી કોલ
ઉત્તરાયણના પર્વ નિમિત્તે ખેડા જિલ્લામાં દોરીથી ઈજા પહોંચવાના પાંચ કેસ સત્તાવાર રીતે નોંધાયા છે. જેમાં નડિયાદમાં બે ઘટના બની છે. નડિયાદના હેલીપેડ પાસે કુણાલ ડાભી નામનો યુવક પોતાનું ટુ વ્હીલર લઇ જતો હતો. ત્યારે ગળાના ભાગે દોરી ભરાતા ગળું ચિરાઈ ગયું હતું અને જમીન પર પટકાયો હતો. જ્યારે મહેમદાવાદના સિલ્વર પાટિયા પાસે ટુવ્હીલર પસાર કરતી વેળાએ પ્રકાશભાઈ આર. તળપદાને પણ દોરી ભરાતા ગળું ચિરાઈ ગયું હતું. આ સિવાય નડિયાદના ડભાણ ચોકડી પાસે નેશનલ હાઇવે નજીક પસાર થતાં મોઈનખાન ફરીદખાન પઠાણને દોરી ભરાઈ જતા આંખની ઉપરના ભાગે ગંભીર ઈજા પહોંચવા સાથે જમીન પર પટકાતા મોઢે પણ સામાન્ય ઇજા પહોંચી હતી.
કઠલાલની કન્યાશાળા પાસે મોસીનભાઈ કાદરભાઈ ઘાંચી પસાર થતા હતા તે દરમિયાન દોરી ભરાતા ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. માતરના પરિયેજ નજીક માતર-તારાપુર રોડ પર પસાર થઈ રહેલા પીન્ટુ ઠક્કરને દોરી ભરાઈ જતા નાક ચીરાઈ જવાથી હોલી લુહાણ થઈ ગયો હતો. તમામ ઘટનાઓમાં ૧૦૮ની ટીમને ઈમરજન્સીના કોલ મળતા તુરંત જ સ્થળ પર પહોંચી અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં પહોંચાડયા હતા. સદનસીબે આ કોઈપણ ઘટનાઓમાં જાનહાનિ થઈ નથી. આ સિવાય પણ જિલ્લાભરમાં દોરી ભરાવવાના કારણે લોકોને નાની મોટી સામાન્ય ઇજાઓ પહોંચવાની ઘટનાઓ પણ બની છે પરંતુ સામાન્ય ઇજાઓ હોવાના કારણે કોઈ ઇમર્જન્સી વર્ધી નોંધાઈ નથી.