કેશોદમાં સાળાએ ટ્રકની સ્ટેપ્લી હુક વડે હુમલો કરી બનેવીની આંખ ફોડી નાખી
પતિ-પત્ની વચ્ચે ઝઘડાના સમાધાનની વાત દરમ્યાન ડખ્ખો માથામાં પણ ગંભીર ઇજા કરતા કેશોદ પ્રાથમિક સારવાર બાદ યુવાનને રાજકોટ ખસેડાયો
જૂનાગઢ, : કેશોદમાં રહેતા દંપતિ વચ્ચે ઝઘડો થતા સમાધાન માટેની વાતચીત ચાલી રહી હતી ત્યારે સાળાએ ઉશ્કેરાઈ જઈ પોતાના બનેવી પર ટ્રકની સ્ટેપ્લી હુક વડે હુમલો કરી આંખ ફોડી નાખી હતી અને માથામાં ગંભીર ઇજા કરી હતી. યુવાનને કેશોદ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.
આ અંગેની વધુ વિગત મુજબ કેશોદમાં એરપોર્ટ રોડ પર રહેતા અને ડ્રાઇવીંગ કરતા અશ્વિન ઉર્ફે લાલો માણસુરભાઈ લીલા (ઉ.વ.40)એ 2011માં ધોરાજીની ભારતી રામભાઈ ક્રિષ્નાણી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તાજેતરમાં અશ્વિન ઉર્ફે લાલા અને તેના પત્ની ભારતી વચ્ચે ઝઘડો ચાલતો હતો. અશ્વિન ટ્રક લઈ માણસા હતો. ત્યારે તેના સાળા મુકેશ રામચંદ્ર ક્રિષ્નાણીએ ફોન કરી આપણે કેશોદ રૂબરૂ મળશું એમ વાત કરી હતી. અશ્વિન લીલા ગઈકાલે કેશોદ આવ્યો હતો. અશ્વિન અને તેનો સાળો મુકેશ સમાધાનની વાત કરતા હતા. ત્યારે મુકેશે ઉશ્કેરાઈ જઈ ગાળો આપી હતી. બાદમાં ઢીકા પાટુનો મારમારી ટ્રકમાંથી સ્ટેપ્લી હુક કાઢી અશ્વિનને ગરદન, આંખ અને માથાના ભાગે ફટકારી હતી. જેમાં અશ્વિનની જમણી આંખ ફૂટી ગઈ હતી. અશ્વિને બુમાબુમ કરતા તેનો મિત્ર આવી ગયો હતો અને તેણે બચાવ્યો હતો. 108માં કેશોદ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં ગરદન અને માથામાં ટાંકા લેવા પડયા હતા. આ અંગે અશ્વિન લીલાએ ફરિયાદ કરતા કેશોદ પોલીસે ધોરાજીના મુકેશ રામચંદ્ર ક્રિષ્નાણી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.