કાપોદ્રામાં કોલેજથી ઘરે જતી તરુણીને બાઈક પર ઉઠાવી જવા પ્રયાસ કરનાર વેપારી પકડાયો

210 ફૂટેજ ચકાસીને પોલીસ 42 વર્ષના વેપારીના ઘરે પહોંચી તો કહ્યું ભૂલ થઈ ગઈ, તરુણીએ મારી તરફ જોતા આવેશમાં છેડતી કરી હતી

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
કાપોદ્રામાં કોલેજથી ઘરે જતી તરુણીને બાઈક પર ઉઠાવી જવા પ્રયાસ કરનાર વેપારી પકડાયો 1 - image


- 210 ફૂટેજ ચકાસીને પોલીસ 42 વર્ષના વેપારીના ઘરે પહોંચી તો કહ્યું ભૂલ થઈ ગઈ, તરુણીએ મારી તરફ જોતા આવેશમાં છેડતી કરી હતી

સુરત, : સુરતના કાપોદ્રા વિસ્તારમાં કોલેજથી ઘરે જતી તરુણીને રોકીને બાઈક પર બેસાડી ઉઠાવી જવા પ્રયાસ કરનાર યુવાન વેપારીને કાપોદ્રા પોલીસે 210 સીસીટીવી કેમેરાની તપાસ કરી ઘટના સ્થળથી 5 કી.મી દૂરના સીસીટીવી કેમરામાં નજરે ચઢેલી બાઈકના નંબરના આધારે તેના ઘરે પહોંચી ઝડપી લીધો હતો.પોલીસને જોઈ ભૂલ થઈ ગઈ તેમ કહેનાર 15 વર્ષના પુત્રના પિતા એવા વેપારીએ જણાવ્યું હતું કે તરુણીએ તેની તરફ જોતા તેણે આવેશમાં છેડતી કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી અને બારડોલીની કોલેજમાં અભ્યાસ કરતી 17 વર્ષની તરુણી ગત સોમવારે સાંજે કોલેજથી છૂટીને ઘરે જતી હતી ત્યારે સૂર્યકિરણની વાડી પાસે 50 વર્ષના આધેડે આશાદીપ સ્કુલ ક્યાં છે તેવું બે વખત પૂછી બાદમાં બાઈક પર બળજબરીથી બેસાડી લઈ જવા પ્રયાસ કર્યો હતો.આધેડે ગળાના ભાગે ટચ કરતા તરુણી ઉતરીને દોડતા લોકો એકત્ર થતા આધેડ ત્યાંથી ભાગી ગયો હતો.બનાવ અંગે તરુણીએ પરિવારજનોને જાણ કર્યા બાદ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.કાપોદ્રા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ સંજયભાઈ મનજીભાઈ અને મો.સોહીલ રીયાઝ અહેમદે જુદાજુદા રૂટના 210 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી.

કાપોદ્રામાં કોલેજથી ઘરે જતી તરુણીને બાઈક પર ઉઠાવી જવા પ્રયાસ કરનાર વેપારી પકડાયો 2 - image

પોલીસ ઘટના સ્થળથી 5 કી.મી દૂરના સીસીટીવી કેમરામાં નજરે ચઢેલી બાઈકના નંબરને પોકેટકોપ મોબાઈલની મદદથી સર્ચ કરી તેમજ બાતમીના આધારે સરથાણા યોગીચોક પાસે ધર્મનંદન એપાર્ટમેન્ટ ખાતે પહોંચી હતી.પોલીસે તે એપાર્ટમેન્ટના ફ્લેટ નં.504 માં રહેતા મૂળ અમરેલી લીલીયાના પૂજાપદરના વતની અને સુરતમાં પ્લાસ્ટીકના દાણાનો વેપાર કરતા 42 વર્ષીય નિલેશ ધીરુભાઈ રાદડીયાની અટકાયત કરી પુછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ પોતાનાથી ભૂલ થઈ ગઈ હોવાની કબૂલાત કરી જણાવ્યું હતું કે તે બાઈક પર પોતાના ઘરે જતો હતો ત્યારે તરુણીએ તેની તરફ જોતા અને તે વિસ્તારમાં કોઈ અવરજવર ન હોય તેણે આવેશમાં આવીને તેની છેડતી કરી હતી.નિલેશ 15 વર્ષના પુત્રનો પિતા છે.પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.વધુ તપાસ સેકન્ડ પીઆઈ એમ.આર.સોલંકી કરી રહ્યા છે.


Google NewsGoogle News