આજે જિનાલયોમાં વીરપ્રભુ મહાવીરનું જન્મ વાંચન થશે, 14 સ્વપ્નોની ઉછામણી
જપ, તપ અને આરાધનાના મહાપર્વ પર્યુષણની શ્રધ્ધા - ભક્તિપૂર્ણ ઉજવણી : ગુરૂ ભગવંતો દ્વારા કલ્પસૂત્રનાં વ્યાખ્યાન દરમિયાન વીરપ્રભુના દિવ્ય જન્મોત્સવનું વર્ણન થશે : રાજકોટનાં દેરાસરોમાં આંગીના દર્શન
રાજકોટ, : પર્વાધિરાજ પર્યુષણના મહાપર્વ દરમિયાન જપ - તપ અને આરાધનાની સાથે ભક્તિસભર કાર્યક્રમોની શ્રૂંખલાને લીધે જૈન દેરાસરો અને ઉપાશ્રયોમાં ધર્મોલ્લાસનો માહોલ છવાયો છે. ત્યારે આવતીકાલ તા.૧૬નાં માતા ત્રિશલા દેવીના ૧૪ સ્વપ્નાની ઉછામણી સાથે વીરપ્રભુ મહાવીરનું જન્મ વાંચન થશે. શહેરના જુદા જુદા ૨૬ દેરાસરોમાં દિવ્ય આંગીના દર્શન થશે.
પર્યુષણના મહાપર્વ દરમિયાન ગુરૂ ભગવંતો દ્વારા કલ્પસુત્ર વાંચનના ત્રીજા અને ચોથા વ્યાખ્યાનમાં માતા ત્રિશલાદેવીને આપેલા 14 સ્વપ્નો પૈકી 10 સ્વપ્નોનું વર્ણન કરવામાં આવશે. જેમાં ફુલની માળા, ચંદ્ર, સુરજ, ધજા, પુર્ણ કળશ, પદ્મ સરોવર, રત્નાકર, દેવવિમાન, રત્નનો ઢગલો અને અગ્નિશિખાનું વર્ણન કરવામાં આવ્યા બાદ આવતીકાલ તા.૧૬નાં વીરપ્રભુ મહાવીરના જન્મવાંચનના સાંભળવા ચર્તુવિધ સંઘના શ્રાવકો એકત્ર થશે. માતા ત્રિશલા દેવીને આપેલા 14 સ્વપ્નોની ઉછામણી થશે. રાજકોટનાં જુદા જુદા જૈન દેરાસરોમાં મહાવીર જન્મવાંચનનું જે આયોજન જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ સૌથી પ્રાચીન માંડવી ચોક જૈન દેરાસરમાં બપોરે 3 વાગ્યે અને જાગનાથ પ્લોટમાં સવારે 9 વાગ્યે જન્મવાંચન થશે. જિનાલયોમાં કલ્પસુત્ર વાંચનનાં પ્રારંભ ાસથે આજે શ્રધ્ધા - ભક્તિનો દિવ્ય માહોલ જોવા મળ્યો હતો.