જેતપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ કરી ધોકાના ઘા મારી હાથ પગ ભાંગી નાંખ્યા
યુવતીના પિતા-કાકા સહીતનાઓએ નોનવેજ વેચતા યુવાનને માર્યો
યુવાનને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો એ પછી જાહેર ચોકમાં લઈ જઈ ૧૫ શખ્સોએ ધોકાના પ્રહારો કરી હાથપગ ભાંગી નાંખ્યા, સ્નેપચેટમાં યુવતીને રિપ્લાય કર્યા બાદ બની ઘટના
મળતી માહિતી મુજબ નવાગઢના હુસેની ચોક પાસે રહેતો અને ખજૂરી ગુંદાળા રોડ પર નોનવેજની કેબીન ઘરાવતો સમીર આબિદભાઈ ખેરાણી (ઉ.વ.૨૧)નામનો યુવક ગઈકાલે રાત્રે કેબીન બંધ કરી ઘરે આવતો હતો ત્યારે ખીરસરા રોડ પર ચારેક શખસોએ ઘોકા વડે મારમારી યુવકને મોટરસાઇકલમાં બેસાડીને ઘર નજીક ઇલાહી ચોકમાં લઇ જઈ ત્યાં સલીમ, અલ્તાફ, મહેબૂબ સહિતના અન્ય ૧૫ જેટલા શખ્સોએ તેના પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા હતા. તેમજ તેને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારને જાણ કરતાં પરિવારજનો દોડી આવ્યા હતા અને યુવકને છોડાવી સારવાર માટે પ્રથમ જેતપુર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાથમાં ફેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરી હતી.
હોસ્પિટલના બિછાને રહેલા સમીરએ જણાવ્યું હતું કે, પોતે ગઈકાલે રાત્રે નોનવેજની કેબીન બંધ કરી બાઈક લઈને ઘરે આવતો હતો ત્યારે ખીરસરા રોડ ઉપર.સારંગ પુલ પાસે બે શખસો હાથમાં ધોકા લઈને ઉભા હતા તેને મદદની જરૂર હોવાનું મને લાગતા મેં બાઈક ઉભી રાખી હતી. એવામાં બીજા ત્રણેક જણા બાવળની ઝાડીમાંથી આવતા પાંચેય શખ્સોએ મળી ધોકા અને ઢીકાપાટુનો મારમારી મને બીજી બાઇકમાં વચ્ચે બેસાડી મારી બાઈક શખ્સે હંકારી ઘર નજીક આવેલા ઈલાઈ ચોક ખાતે લઈ આવ્યા હતા ત્યાં ગામમાં જ રહેતા સલીમભાઈ તેને ભાઈ અલ્તાફભાઈ, કૌટુંબિક મહેબૂબ અને અજાણ્યા પાંચથી દશ શખ્સો ઉભા હતા એ બધાએ મળી ધોકા-પાઈપ વડે કેટલીક વાર સુધી બેફામ મારમાર્યો હતો. અને હુમલા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, સલીમભાઈની પુત્રી સુમેરા પ્રસંગમાં ભેગી થતી હોવાથી અમારા બંને વચ્ચે મિત્રત્તા થતા તેણીએ સ્નેપચેટમાં મેસેજ કર્યો હતો.
જો કે હું સ્નેપ ચેટનો ઉપયોગ કરતો ન હોવાથી આ મેસેજ ઘણા દિવસો પછી વાંચ્યો હતો. અને મેં રીપ્લાય કર્યો હતો.બાદમાં અમે બંને વાતચીત કરતા હતા.સુમેરાના લગ્નની વાત થતી હતી ત્યારે તેણીએ ઘરમાં કહયું હતું કે મારે સમીર સાથે લગ્ન કરવા છે, બીજે ક્યાંય નહીં કરું આ વાત કરતા પરિવારે સુમેરાને પણ મારમાર્યો હતો.અને સમીર સાથે લગ્નની વાત કરી તો તેને પણ મારી નાખીશું કહી બીવડાવી હતી. બાદમાં પરિચિત મારફતે મને કહેડાવ્યું હતું કે, સુમેરાનાં ફોટા કે કોલ રેકોડગ કાંઈ હોઈ તો સમીરને કેજો ડીલીટ કરી નાખે. આ બધી વાતચીત ચાલતી હતી ત્યાં ગઈકાલે હુમલો કર્યો હતો. જેતપુર પોલીસ જાણ કરી યુવકનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.