Get The App

જામનગર શહેરમાં તહેવારો ટાણે જ સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
જામનગર શહેરમાં તહેવારો ટાણે જ સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર 1 - image


મહિને ર૦ હજાર વળતર મળવાની માંગણીનું નિરાકરણ નહીં આવતાં આંદોલનના માર્ગે

જામનગર, તા. 1 નવેમ્બર 2023 બુધવાર

ગુજરાત રાજ્યમાં સરકારમાન્ય સસ્તા અનાજની દુકાન ધરાવતાં રાશન શોપધારકોના એસોસિએશને ફરીથી આંદોલનનું બ્યુગલ ફૂંકયુ છે અને આજથી ગુજરાતની સાથે જામનગરના સસ્તા અનાજની દુકાનના માલિકો હડતાળ પર ઉતરતા શહેરમાં તમામ સસ્તા અનાજની દુકાનોએ આજથી બંધ પાડી આંદોલનમાં જોડાયા છે.

થોડા દિવસ પૂર્વે આદરેલી લડતના અંતે રાજયના પુરવઠામંત્રી અને મુખ્યમંત્રી દ્વારા પ્રશ્નોના નિરાકરણ માટે મળેલી બેઠકમાં ખાતરી આપવામાં આવી હતી, પરંતુ તે મુજબનું સરકાર દ્વારા કશું જ કરવામાં આવેલ ન હોય ત્યારે રાશન શોપ એસોસિએશને ફરીથી બાંયો ચઢાવી આજરોજ તારીખ ૧લી નવેમ્બરથી અસહકાર આંદોલન છેડયું છે.      

દિવાળી જેવા તહેવારના દિવસોમાં અનાજ, કઠોળ સહિતના સરકારી પુરવઠાના વિતરણ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ઉલ્લેખનિય છે કે, એકસો ઉપરાંત સસ્તા અનાજની દુકાનો આવેલી છે. જે તમામ દુકાનોના સંચાલકો આ આંદોલનમાં જોડાતા પરમીટધારકો વિસામણમાં મૂકાઈ ગયા છે.

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રદેશ પ્રમુખ મહિપતસિંહ ગોહિલએ અગાઉ અસહકાર લડતની જાહેરાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, રાશન શોપધારકને ઓછામાં ઓછું મહિને ર૦ હજારનું વળતર મળવું જોઈએ. જે તે સમયે પુરવઠામંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ દરમ્યાનગીરી કરી માગણીઓનો સ્વીકાર કર્યો હતો, પરંતુ આ પ્રશ્નનો આજદિવસ સુધી કોઈ નિકાલ નહીં આવતા કે માંગણીઓ નહીં સંતોષાતા ફરી જામનગર સહિત ગુજરાતભરના સસ્તા અનાજના દુકાનદારોએ આંદોલનનું રણશિંગુ ફૂંકયું છે.


Google NewsGoogle News