હજીરામાં ગત વર્ષે વિસર્જન પ્રક્રિયા 32 કલાક ચાલી હતી, આ વર્ષે ક્રેઇન, ગેસકટર વધારાયા
- નવ ફુટથી ઊંચી મૂર્તિનું હજીરા બોટ ઓવારો, મગદલ્લા અને ડુમસના દરિયા કિનારે વિસર્જન માટે તૈયારીઓ શરૃ
સુરત
સુરત શહેરમાં મોટી મૂર્તિનું વિર્સજન શકય ના હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ૯ ફુટથી ઉંચી મૂર્તિનુ સુરતથી ૩૫ કિ.મી દૂર હજીરાના બોટ પોઇન્ટ પર વિર્સજન કરવામાં આવશે. ગત વર્ષે ૩૨ કલાક સુધી વિર્સજનની પ્રકિયા ચાલુ રહી હોવાથી આ વર્ષે ક્રેઇન, ગેસકટર અને ફોર્કલીફટ વધારી દેવામાં આવી છે.સાથે જ સ્થાનિક યુવાનોની મોટી ફૌજ ઉતારવામાં આવશે.
સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગણપતિદાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ મૂર્તિઓની સાથે ૯ ફુટથી ઉંચી મૂર્તિઓની સંખ્યા પણ વધુ છે. આ મૂર્તિઓનું પાલિકા દ્વારા બનાવેલ ૨૨ કુત્રિમ તળાવમાં વિર્સજન શકય નથી. આથી ૯ ફુટથી મોટી મૂર્તિનું વિર્સજન મગદલ્લા, ડુમસની સાથે હજીરામાં પણ થનાર છે. હજીરામાં રાધેકિષ્ના ગુ્રપ દ્વારા બોટ પોઇન્ટ ઓવારા પર વિર્સજનની વ્યવસ્થા દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી છે. આ ગુ્રપના સતિષ પટેલના જણાવ્યા મુજબ સ્થાનિક યુવાનો દ્વારા દર વર્ષે વિસર્જનની કામગીરી હાથ ધરવામાં આવે છે. ગત વર્ષેે વિર્સજનની પ્રકિયા ૩૨ કલાક સુધી ચાલી હતી. આથી આ વખતે સાધન સામ્રગી વધારી દેવામાં આવી છે. હજીરાની મહાકાય કંપની દ્વારા ૧૨ ક્રેઇન, ૧૨ ફોર્કલીફટ, ૯ સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજિત ૬૦૦ સ્વંયસેવકો વિર્સજન માટે તૈયાર રહેશે. આ બોટ પોઇન્ટ ઓવારા પરથી સરળતાથી વિર્સજન થઇ શકે છે. કેમકે ક્રેઇન દ્વારા સીધી મૂર્તિનું દરિયામાં વિર્સજન થઇ જાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે ઉંચી મૂર્તિઓ ખંડિત ના થાય તે માટે લોંખડની એન્ગલ સાથે ફીટ કરેલી હોય છે. ભકતો દ્વારા મંડપમાંથી સીધી અત્રે લાવવામાં આવે છે. અને અંહિયા ગેસ કટરથી એંગલ કાપીને મૂર્તિનુ વિસર્જન કરવામાં આવે છે. ગત વર્ષે આ કારણે જ વિસર્જનની પ્રકિયા લાંબી ચાલી હતી. આથી આ વખતે ગેસ કટરો પણ વધારવામાં આવી છે. હાલ વિસર્જનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.