હજીરામાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના 11 એકમો સીલ કર્યા ત્યાં સપ્તાહમાં 6 ફરીથી શરૃ થઇ ગયા

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News

- મોરા, દામકા, જુનાગામ, વાંસવામાં પ્રદૂષણ ફેલાવતા સંગ્રહસ્થળો સ્થાનિકોએ જ શરૃ કરી દીધા : કારભારીઓને નેતાઓની છત્રછાયા

                સુરત

હજીરાપટ્ટી પર અત્યાર સુધી મહાકાય કંપનીઓની જ પ્રદુષણ ફેલાવ્યાની ફરિયાદો આવતી હતી. હવે સિનારીયો બદલાયો હોઇ તેમ સ્થાનિક ગ્રામજનો જ કંપનીઓનો ઇન્ડસ્ટ્રીલ વેસ્ટ લઇને ગામની જમીનોમાં સંગ્રહ કરી રહ્યા છે. ગત અઠવાડિયે જીપીસીબી અને કલેકટર દ્વારા ૧૧ એકમો સીલ માર્યા બાદ ફરીથી છ એકમો ધમધમતા થઇ ચૂકયા હોવાથી રાજકીય આર્શીવાદ વગર શકય જ ના હોઇ તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

હજીરાપટ્ટી પર આવેલા મહાકાય ઉદ્યોગના કારણે આમ પણ સ્થાનિક ગ્રામજનો પ્રદુષણ સામે ઝઝુમી રહ્યા છે.વારંવાર ફરિયાદો થવા છતા જૈસે થૈ તેવી સ્થિતિ હોય છે. જો કે હવે મહાકાય કંપનીઓની વાત છોડો સ્થાનિક ગ્રામજનો જ પ્રદુષણ ફેલાવવા માટેના એકમો ધમધમતા કર્યા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા થઇ રહ્યા છે. ખાસ કરીને સ્થાનિક કંપનીઓમાંથી મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ઉઠાવીને હજીરાના ગામોમાં જ આ વેસ્ટ ઠાલવીને પ્રદુષણનું નવુ સરનામુ આપી રહ્યા છે. સ્થાનિકો દ્વારા હાઇકોર્ટમાં ફરિયાદ કર્યા બાદ સુરત જિલ્લા કલેકટર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ગત અઠવાડિયામાં પ્રદુષણ ઓકતો ૧૧ એકમોને સીલ માર્યા હતા. આ સીલ માર્યા બાદ ફરીથી ગ્રામજનોમાં તંત્રનો ભય દૂર થઇ ગયો હોઇ તેમ ફરીથી છ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના એકમો શરૃ થઇ ચૂકયા છે.

ગ્રામજનોએ કરેલા આક્ષેપ મુજબ હજીરા પટ્ટીની એનટીપીસી સામે, મોરા, દામકા, જુનાગામ, ભાસ્ટા રોડ, વાસંવા અને તેનામાં છ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ સંગ્રહ કરીને પ્રદુષણ ફેલાવી રહ્યા છે. આથી આગામી દિવસોમાં જીપીસીબી અને કલેકટરના તંત્રે ફરીથી એકમો સીલ મારવાની કવાયત હાથ ધરવી પડશે. જો કે ગ્રામજનો જે રીતે તંત્રની ઐસીતૈસી કરીને એકમો શરૃ કરીને રહ્યા છે તે જોતા રાજકીય આર્શીવાદ વગર જ શકય જ ના હોવાના આક્ષેપો થઇ રહ્યા છે

 

જે એકમો ચાલી રહ્યા છે તેની ભાગીદારી તપાસમાં માંગણી

મહાકાય કંપનીઓ જ નહીં ખુદ ગ્રામજનો હવે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનો જથ્થો સંગ્રહ કરીને પ્રદુષણ ફેલાવવામાં આગળ આવી રહ્યા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ થયા બાદ ફકત જીપીસીબી દ્વારા એકમો સીલ મારવાની જ નહીં, પરંતુ આ ધમધમતા એકમોની માલિકી કોની છે. તેના ભાગીદારો કોણ છે. કોણ ઇન્ડસ્ટ્રીલ વેસ્ટ અપાવવામાં મદદગાર બની રહ્યુ છે. આ બધી જ તપાસ પોલીસ કે જિલ્લા કલેકટર દ્વારા કરવી જોઇએ. આ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવવાની સ્થાનિકો દ્વારા માંગ થઇ રહી છે.


Google NewsGoogle News