ગુજરાતમાં જીરૂનું વાવેતર આંશિક ઘટયું છતાં ઉત્પાદન વધવાનો અંદાજ
આ વર્ષે 26,000 ટન જીરૂ વધુ પાકવાનું પ્રાથમિક અનુમાન : ઉત્પાદન જળવાયું છતાં જીરૂના ભાવ રેકોર્ડબ્રેક ઉંચાઈએ, રાજકોટ યાર્ડમાં પ્રતિ મણ મહત્તમ 6750 ના ભાવે સોદા
રાજકોટ, : ગુજરાતમાં વર્ષે સવા ચાર લાખ હેક્ટરમાં જીરૂ વવાતું તેની જગ્યાએ ગત વર્ષે 3.05 લાખ હેક્ટરમાં અને આ વર્ષે અત્યાર સુધીમાં 2.76 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, વાવણી વિસ્તાર ઘટવા છતાં જીરૂનું ઉત્પાદન આ વર્ષે ગત વર્ષની સાપેક્ષે 26,000 ટન વધુ એટલે કે 2.47 લાખ ટન પાકવાનો સરકારનો પ્રથમ અંદાજ છે.
ગત વર્ષે 3 લાખ હેક્ટરથી વધુ જમીનમાં 2.21 લાખ ટન સામે આ વર્ષે હાલ જેની વાવણી પૂર્ણતાના આરે છે તે રવિ પાકમાં ઉપજ વધવાની શક્યતાને ધ્યાને લઈને વધુ જીરૂનું ઉત્પાદન થવાનો અંદાજ અપાયો છે. હેક્ટર દીઠ ગત વર્ષે 721 કિલો સામે આ વર્ષે 845 કિલો જીરૂ પાકે તેવો પ્રથમ પ્રગતિશીલ અહેવાલ જણાવે છે.
આશ્ચર્યની વાત એ છે કે જીરૂનો વાવણી વિસ્તાર ગત વર્ષમાં નજીવો ઘટાડો થયો છે, ઉપજ (યિલ્ડ) વધ્યાનું તારણ છે છતાં સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં આ વર્ષે જીરૂના ભાવ રેકોર્ડબ્રેક ઉંચાઈએ પહોંચ્યા છે.રાજકોટ યાર્ડમાં આજે 460 ક્વિન્ટલની આવક સાથે પ્રતિ મણ રૂ।. 5250 થી 6750ના ઉંચા ભાવે સોદા પડયા હતા.