Get The App

ગોંડલમાં પતિ અને સાસરિયાઓના ત્રાસથી પરિણીતાએ ઝેર પી મોત મીઠું કર્યું

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
ગોંડલમાં પતિ અને સાસરિયાઓના ત્રાસથી પરિણીતાએ ઝેર પી મોત મીઠું કર્યું 1 - image


પોલીસે સાસરિયાઓ સામે મરવા મજબુર કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો : સાસુ સસરા,જેઠ જેઠાણી,નણંદ અને કાકાજી સસરા પરિણીતાને છુટાછેડા માટે દબાણ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

ગોંડલ, : ગોંડલમાં પતિ સાસુ-સસરા, જેઠ જેઠાણી, નણંદ અને કાકાજી સસરાએ પરિણીતાને છૂટાછેડા માટે દબાણ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતાં કંટાળી ગયેલી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ગોંડલ પોલીસે સાસરિયાઓ સામે મરવા મજબુર કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશના બુરહાનપુર પંથકમાં રહેતાં ક્રિષ્નાભાઈ મહીપતભાઇ સીરતુરે (ઉ.વ.૫૯ એ તેમની નાની પુત્રી કુસુમ ઉર્ફે કાજલને તેના  પતિ નીરવ હિતેષ પડીયા, જેઠ અમિત, જેઠાણી શીતલબેન, નણંદ ભવિષાબેન, સસરા હિતેષ પડીયા, સાસુ નિલાબેન (રહે. તમામ નાગર શેરી, ગોંડલ) અને કાકાજી સસરા સુરેશ પડીયા (રહે. મહુવા)એ ત્રાસ આપી મરવા મજબુર કર્યા ફરિયાદ નોંધાવી છે.

 ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમની દિકરી કુસુમબેનને તેના પતિ, જેઠ, જેઠાણી, નણંદ, સસરા અને તેના સાસુ તેમજ કાકાજી સસરા હેરાન કરતા હોવાનો તેમની દિકરીનો ફોન આવતો હતો. દિકરીને સાસરિયાઓ ખાવાનુ ન આપતા હોય તેમજ તેનો પતિ અવાર નવાર મારમારતો, જેઠ અમીત તેણીનો સામાન ઘરમાંથી બહાર ફેંકી દીધેલ તેમજ જેઠાણી, સાસુ અને નણંદ જે પણ રીસામણે રહેતા હોય તે બધા મેણાટોણા મારી ત્રાસ આપતા હતાં. સાસુ તેની સાથે સબંધ તોડી નાખવાનુ કહેતી અને તેના પતિને ચઢામણી કરતી હોય જેથી તેનો પતિ અવાર નવાર મારમારતો હતો.દરમિયાન છેલ્લાં એકાદ વર્ષથી તેમની પુત્રી અને જમાઈ અલગ ભાડાના મકાનમાં રહેવા જતા રહેલ હતાં.તેમની પુત્રીને પતિ રાશન લઈ આપતો નહિ અને તે તેના માતા પિતાના ઘરે જમીને ઘરે જતો હતો. દરમિયાન તેમની પુત્રીને ઘરેથી કાઢી મુકેલ તે અંગે 181મા ફોન કરેલ હતો.

બાદમાં ગોંડલ મહીલા પોલીસ સ્ટેશનમા તેના સાસરીયાઓ વિરૂધ્ધ અરજી કરેલ હતી. દરમિયાન તેમને તેમની પુત્રીનો ફોન આવેલ કે, મને મારા ઘરવાળા બહુ હેરાન કરે છે, ત્રણ દિવસથી ઘરની બહાર રાખેલ છે, તમે મને તેડી જાવ તેમ કહેતાં તેઓ ઘરેથી નીકળી સુરત રહેતી દિકરીને ત્યા ઉતરી કુસુમબેનને ફોન કરેલ તો તેનો ફોન સ્વીચ ઓફ આવેલ હતો.જેથી બીજા દિવસે તે ગોંડલ આવવા નીકળેલ ત્યારે તેણીના જેઠ અમીતનો ફોન આવેલ અને કહેલ કે  તમારી દિકરીએ દવા પીધી છે અને તેને રાજકોટ હોસ્પીટલમા દાખલ કરેલ છે.  બાદમાં તેઓ રાજકોટ સરકારી હોસ્પીટલ ગયેલ તો ત્યા તેમનો જમાઈ નિરવ હાજર હતો અને દિકરી વેન્ટીલેટર ઉપર રાખેલ હતી.દરમિયાન તેમના જમાઈ નિરવએ વાત કરેલ કે પોતાની જાતે દવા પી જતા તેને સારવારમા દાખલ કરેલ છે. દરમિયાન કુસુમ ઉર્ફે કાજલનું મોત થતાં પાતાની દીકરીને સાસરિયાએ ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


Google NewsGoogle News