ગુજરાત વિદ્યાપીઠના ડિમ્ડ યુનિવર્સિટી તરીકેના દરજ્જા સામે 'જોખમ', UGCના નવા નિયમે ટેન્શન વધાર્યું

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
UGC


UGC Rules: યુજીસીના ડિમ્ડ યુનિવર્સિટી માટેના નવા રેગ્યુલેશન્સ 2023 મુજબ ડિમ્ડ યુનિવર્સિટીએ પોતાનું સ્ટેટસ જાળવી રાખવા માટ 3 હજાર વિદ્યાર્થી દર્શાવવા જરૂરી છે. ગુજરાતમાં હાલ ગુજરાત વિદ્યાપીઠ અને સુમનદીપ વિદ્યાપીઠ સહિતની બે ડિમ્ડ યુનિવર્સિટીઓ આવેલી છે. જેમાં ગાંધીજી સ્થાપિત સૌથી જુની એવી અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં યુજી-પીજીના તમામ વર્ષના મળીને બે હજાર વિદ્યાર્થીઓ છે. ગુજરાત વિદ્યાપીઠે આગામી પાંચ વર્ષમાં 3 હજાર વિદ્યાર્થીની સંખ્યા કરવી પડશે. જો કે વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હોવાથી આગામી બે થી ત્રણ વર્ષમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા 3 હજાર પહોંચી જશે.

તમામ ડિમ્ડ યુનિવર્સિટીએ એમઓએ કરાર સ્વીકારવો પડશે 

યુજીસીના નવા નિયમો મુજબ દેશમાં આવેલી તમામ ડિમ્ડ યુનિવર્સિટીએ એમઓએ એટલે કે મેમોરન્ડમ ઓફ એસોસિએશન પર સહી કરીને એમઓએ કરારને સ્વીકારનો છે. ગુજરાત વિદ્યાપીઠે પણ મોડે મોડે એમઓએ સ્વીકારી લીધો છે. યુજીસીના ડિમ્ડ યુનિ. માટેના નવા નિયમોમાં કુલ વિદ્યાર્થીઓ સંખ્યા, સ્ટુડન્ટ-ટીચર્સ રેશિયો, સ્ટાફ, નેક એક્રેડિટેશન સહિતની વિવિધ જોગવાઈઓ કરવામા આવી છે અને જે તમામ શરતોમાં ડિમ્ડ યુનિ.એ ખરા ઉતરવુ પડશે.

આ પણ વાંચો: કોંગ્રેસને મોટું નુકસાન, કદાવર નેતા અને 6 વખતના ધારાસભ્યનું નિધન, બે વખત રહી ચૂક્યાં મંત્રી

શરતો પૂર્ણ કરવા માટે 2030 સુધીનો સમય 

ડિમ્ડ યુનિ.ને વિવિધ શરતો પૂર્ણ કરવા માટે 2030 સુધીનો સમય આપવામા આવ્યો છે. જેમાં ખાસ કરીને એક શરત મુજબ ડિમ્ડ યુનિ.એ પોતાનું સ્ટેટસ જાળવી રાખવા હવે 3 હજાર વિદ્યાર્થીની સંખ્યા કરવી પડશે એટલે કે જો ડિમ્ડ યુનિ.માં આગામી પાંચ વર્ષમાં કુલ વિદ્યાર્થી સંખ્યા 3 હજાર નહીં હોય તો ડિમ્ડ યુનિ.નું સ્ટેટસ નહીં રહે.   

યુજીસીના ડિમ્ડ યુનિવર્સિટી માટેના નવા રેગ્યુલેશન્સ

યુજી-પીજીના તમામ વર્ષના કુલ મળીને 3 હજાર વિદ્યાર્થીઓ રેકોર્ડ પર નોંધાયેલા હોવા જોઈએ અને રેગ્યુલર ક્લાસમાં ભણતા હોવા જોઈએ. ગુજરાતની વાત કરીએ હાલ ગુજરાતમાં બે ડિમ્ડ યુનિવર્સિટી છે. જેમાં એક ગૂજરાત વિદ્યાપીઠ અને બીજી સુમનદિપ વિદ્યાપીઠ છે. ગૂજરાત વિદ્યાપીઠ સૌથી જુની ડિમ્ડ યુનિ. છે. જો કે તેમ છતાં હજુ પણ વિદ્યાપીઠમાં કુલ ત્રણ હજાર વિદ્યાર્થી નથી. 

આ પણ વાંચો: 'ગ્રોથ એન્જિન' ગણાતાં ગુજરાતમાં દર ચોથું બાળક કૂપોષિત, ત્રિપુરા-ઝારખંડ કરતાં પણ ખરાબ સ્થિતિ

આગામી બે-ત્રણ વર્ષમાં કુલ વિદ્યાર્થી સંખ્યા 3 હજાર પહોંચી જવાની શક્યતા 

ગત વર્ષે વિદ્યાપીઠ દ્વારા રાંધેજા કેમ્પસને અમદાવાદ કેમ્પસમાં ભેળવી દેવાયુ છે અને રાંધેજા કેમ્પસના તમામ યુજી કોર્સીસને અમદાવાદના કેમ્પસમાં શરૂ કરવામા આવ્યા છે. આ ઉપરાંત આ વર્ષે વિદ્યાપીઠમાં યુજી-પીજીના 1200થી વઘુ પ્રવેશ થયા છે જે અત્યાર સુધીના વર્ષોના સૌથી વઘુ છે. જુના વિદ્યાર્થીઓ અને નવા વિદ્યાર્થીઓ મળીને વિદ્યાપીઠમાં હાલ બે હજાર વિદ્યાર્થીઓ છે. વિદ્યાપીઠમાં આગામી બે થી ત્રણ વર્ષમાં કુલ વિદ્યાર્થી સંખ્યા 3 હજાર પહોંચી જાય તેવી શક્યતા છે.

ગુજરાત વિદ્યાપીઠના ડિમ્ડ યુનિવર્સિટી તરીકેના દરજ્જા સામે 'જોખમ', UGCના નવા નિયમે ટેન્શન વધાર્યું 2 - image


Google NewsGoogle News