યુનિ.ના ઈન્ચાર્જ વીસી સામે પણ હાઈકોર્ટમાં પિટિશન થયેલી છે
વડોદરાઃ હાઈકોર્ટે લાલ આંખ કર્યા બાદ રાજ્ય સરકારને એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદેથી ડો.વિજય શ્રીવાસ્તવનું રાજીનામુ લેવાની ફરજ પડી છે.એ પછી સરકારે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે જેમની સામે હાઈકોર્ટમાં પિટિશન થયેલી છે તે ધનેશ પટેલને ઈન્ચાર્જ વીસી બનાવ્યા છે.પ્રો.પટેલ ટેકનોલોજી ફેકલ્ટીના ડીન છે.
મળતી વિગતો પ્રમાણે ડો.વિજય શ્રીવાસ્તવ પાસે એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બનવા માટે પ્રોફેસર તરીકેનો ૧૦ વર્ષનો અનુભવ નહીં હોવાની પિટિશન હાઈકોર્ટમાં ફાઈલ કરનાર યુનિવર્સિટીના જ વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠકના પુત્રીએ બે મહિના પહેલા ટેકનોલોજી ફેકલ્ટીના ડીન પ્રો.ધનેશ પટેલ અને આર્કિટેકચર વિભાગના હેડ ડો.ભાવના વાસુદેવને પક્ષકાર બનાવીને એક પિટિશન દાખલ કરી હતી.
પ્રો.પાઠકનું કહેવું છે કે, મેં ડો.શ્રીવાસ્તવ સામે અવાજ ઉઠાવ્યો હોવાથી મારી પુત્રીને આર્કિટેકચર વિભાગમાં હંગામી અધ્યાપક તરીકે ડો.શ્રીવાસ્તવના કહેવા પર ફેકલ્ટી ડીન અને હેડે પસંદ નથી કરી.મારી પુત્રી તમામ લાયકાત ધરાવતી હતી અને પાંચ વર્ષથી આર્કિટેકચર વિભાગમાં કામ કરતી હતી.આ વર્ષે તેન ઈન્ટરવ્યૂ બાદના લિસ્ટમાં આઠમા નંબરે મૂકી દેવામાં આવી હતી.આ પિટિશનમાં પણ વધુ સુનાવણી તા.૨૦ જાન્યુઆરીએ છે તેવું મને જાણવા મળ્યું છે.એવુ પણ કહેવાઈ રહ્યું છે કે, રજિસ્ટ્રાર ડો.ચૂડાસમા અને જોઈન્ટ રજિસ્ટ્રાર મયંક વ્યાસે સરકારને ઈન્ચાર્જ વીસી માટે એક માત્ર પ્રો.ધનેશ પટેલનું જ નામ મોકલ્યું હતું.
હાઈકોર્ટે પૂર્વ વીસી ડો.વિજય શ્રીવાસ્તવ પાસે
એમ.એસ.યુનિ.ના કાર્યકાળને વીસી તરીકે નહીં દર્શાવે તેવી બાંયધરી માગી
એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદેથી રાજીનામુ આપી દેનાર ડો.શ્રીવાસ્તવના પ્રોફેસર તરીકેના અનુભવને લઈને હાઈકોર્ટમાં થયેલી પિટિશન પર આજે વધારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
જેમાં હાઈકોર્ટે એવી લેખિત બાંયધરી માગી હતી કે, ડો.શ્રીવાસ્તવ એમ.એસ.યુનિવર્સિટીમાં જેટલા પણ સમય માટે કામ કર્યું છે તે કાર્યકાળને એમ.એસ.યુનિવર્સિટીના વીસી તરીકે ભવિષ્યમાં કોઈ જગ્યાએ દર્શાવી નહીંં શકે.જોકે હાઈકોર્ટે આ સમયગાળાને પ્રોફેસરના અનુભવ તરીકે ગણી શકે છે તેવું પણ કહ્યું હતુ ં.આ મુદ્દા પર ડો.શ્રીવાસ્તવના ધારાશાસ્ત્રીએ વધુ સમય માંગતા હવે તા.૨૦ જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવાનો હાઈકોર્ટે હુંકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે વીસી બનવા માટે પ્રોફેસર તરીકે ડો.શ્રીવાસ્તવ પાસે ૧૦ વર્ષનો અનુભવ નહીં હોવાના મુદ્દા પર થયેલી પિટિશનની સુનાવણી દરમિયાન આકરુ વલણ અપનાવ્યું હતું અને તેના કારણે જ સરકારને ડો.શ્રીવાસ્તવ પાસે વાઈસ ચાન્સેલર પદેથી રાજીનામુ લેવાની ફરજ પડી હતી.દરમિયાન હાઈકોર્ટને આજે સુનાવણી દરમિયાન સરકારે ડો.શ્રીવાસ્તવનું રાજીનામુ સ્વીકાર્યું હોવાનું અને એક્ટિંગ વાઈસ ચાન્સેલર તરીકે ટેકનોલોજી ફેકલ્ટીના ડીનની નિમણૂક કરવામાં આવી હોવાની પણ જાણકારી આપી હતી.
આઉટસોર્સિંગનો નિર્ણય રદ કરવા રજૂઆત
ડો.શ્રીવાસ્તવે એકહથ્થુ શાસન ચલાવીને પોતાના કાર્યકાળ દરમિયાન લીધેલા નિર્ણયો પાછા ખેંચવાની માગ પણ ઉઠવા માંડી છે.આજે હંગામી કર્મચારી યુનિયન નામના સંગઠનના પ્રતિનિધિઓએ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર આપીને હંગામી કર્મચારીઓની કામગીરીના આઉટસોર્સિંગના નિર્ણયને રદ કરવા માગ કરી હતી.સંગઠનનું કહેવું હતું કે, વર્ષોથી ટુંકા પગારમાં કામ કરતા હંગામી કર્મચારીઓને ડો.શ્રીવાસ્તવે રાતોરાત આઉટસોર્સિંગ એજન્સીના હવાલે કરી લીધા હતા.ઉપરાંત ૨૦૧૭ થી ૨૦૨૦ સુધીનું પીએફ પણ તેમને આપવામાં આવ્યું નથી અને હવે તો તેમને જે ક્વાર્ટરો ફાળવવામાં આવ્યા છે તે ખાલી કરવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે.
શુભેચ્છા પાઠવનારાઓમાં ડીનોની ગેરહાજરી
બીજી તરફ પ્રો.ધનેશ પટેલે આજે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે ચાર્જ સંભાળ્યો હતો પરંતુ એક પણ ફેકલ્ટી ડીન તેમને શુભેચ્છા પાઠવવા ગયા નહોતા.એટલુ જ નહીં તેમણે ચાર્જ લીધો ત્યારે રજિસ્ટ્રાર અને જોઈન્ટ રજિસ્ટ્રાર પણ ગેરહાજર હતા અને આ બાબત પણ આજે અધ્યાપક આલમમાં ભારે ચર્ચાનો વિષય બની હતી.