વુડામાં CEA, ટાઉન પ્લાનર સહિત મહત્વના હોદ્દા ઇન્ચાર્જના હવાલે
વુડાની બોર્ડ બેઠક છેલ્લે માર્ચ માસમાં મળ્યા બાદ લાંબા સમય પછી નવ મહિને મળી
વડોદરા, તા.16 વડોદરા શહેરની આસપાસના વિસ્તારોના વિકાસ માટે વુડાની સ્થાપના કરવામાં આવી છે પરંતુ વુડામાં છેલ્લે માર્ચ માસમાં મળેલી બોર્ડ બેઠકના છેક નવ મહિના બાદ આજે બોર્ડ બેઠક મળી હતી.
ઉલ્લેખનીય છે કે વુડાની તા.૧૨ માર્ચના રોજ ૨૬૦મી બોર્ડ બેઠક મળી હતી. આ બેઠકમાં અગત્યના નિર્ણયો તાબડતોબ લેવાયા હતાં. આ બેઠક બાદ વુડામાં જાણે શૂન્યાવકાસ સર્જાયો હોય તેવો માહોલ હતો અને આજે અચાનક વુડાની ૨૬૧મી બોર્ડ બેઠક મળી હતી. નવ મહિના બાદ મળેલી બોર્ડ બેઠકમાં જમીન સંપાદન, વહીવટી કામો, આવાસો, ટીપી સ્કીમ સહિતના ૩૦ જેટલા મુદ્દાઓ સમાવવામાં આવ્યા હતાં.
વુડામાં હાલ સીઇએની પોસ્ટ ઇન્ચાર્જના હવાલે છે. છેલ્લા ઘણા સમયથી વુડામાં મહત્વની જગ્યા પર કોઇ કાયમી પોસ્ટિંગ નહી હોવાથી કામો ટલ્લે ચડતા હોય છે. સરકાર દ્વારા બદલીઓમાં વુડામાં કાયમી પોસ્ટિંગ થશે તેમ માની હવાલાના અધિકારીઓ દ્વારા પણ નિર્ણય લેવામાં આવતા ન હતાં જેના પગલે શહેરની આસપાસના વિકાસ માટેના કામો છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડતા હતાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે અગત્યના કામો હોય તો બોર્ડ બેઠકમાં મંજૂરીની અપેક્ષા સાથે કરવામાં આવતા હતાં. જો કે આ કામો પણ ગભરાતા ગભરાતા થતા હતાં. ટીપી સ્કીમ અંગેના નિર્ણયો પણ યોગ્ય સમયે લેવાતા નથી. મહત્વની બાબત એ છે કે ટાઉન પ્લાનરની જગ્યા પણ હાલ ઇન્ચાર્જના હવાલે છે. જેના પગલે અનેક બાંધકામો માટે વિકાસની મંજૂરી માટે લોકોને ધક્કા ખાવાનો વારો આવે છે.