બોટાદ જિલ્લામાં ધો.10ના 10,311 અને ધો.12માં 6199 વિદ્યાર્થી નોંધાયા
બોર્ડની પરીક્ષાને લઇ ચોક્કસ પ્રતિબંધો જાહેર કરાયા
ધો.૧૦ માટે ૧૦ કેન્દ્રો, ધો.૧૨ સા.પ્ર. માટે ૬ કેન્દ્રો અને ધો.૧૨ વિ.પ્ર. માટે ૧ કેન્દ્ર બેઠક વ્યવસ્થા માટે ફાળવાશે
આગામી તા.૨૭-૨ થી ૧૭-૪ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો.૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાનાર છે. બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પરીક્ષા સંબંધે કેન્દ્રોની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, તમામ પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સીસીટીવી વ્યવસ્થા અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ, સતત વીજ પૂરવઠો શરૂ રહે તે માટેનું આયોજન, પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી, સ્ટ્રોંગ રૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમિયાન કોઇ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં ફરજ પરના અધિકારી-કર્મચારીને પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટ વ્યવસ્થા કરવા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહન વ્યવહારની સગવડ કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તા.૨૭મી ફેબુ્રઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસપૂર્વક અને શાંતિમય માહોલમાં આપી શકે એવી વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેક્ટરે અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં હતાં. પરીક્ષા સંચાલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત સબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી તૈયારીની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં ધો.૧૦ના કુલ ૧૦,૩૧૧ વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ ૧૦ કેન્દ્રોમાં લેવાશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહના કુલ ૫૩૩૦ વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ ૬ કેન્દ્રો પરથી લેવાશે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના કુલ ૮૬૯ વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ ૧ કેન્દ્ર પરથી લેવાશે. જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ના કુલ ૧૬,૫૧૦ વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ ૧૭ કેન્દ્રો ખાતે યોજાશે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણાં પરીક્ષા આપી શકે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આગામી તા.૨૭-૨ થી ૧૭-૩ સુધી ધો.૧૦ની પરીક્ષાનો સમય સવારના ૧૦ થી ૧૩-૧૫ કલાક અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષા સવારના સેશન સમય ૧૦.૩૦ થી ૧૩.૪૫ કલાક સુધી તેમજ બપોરના સેશનનો સમય ૧૫ થી ૧૮.૧૫ કલાક સુધી તથા ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહ પરીક્ષાનો સમય બપોરના ૧૫ કલાકથી ૧૮.૩૦ કલાક દરમિયાન, ધો.૧૦ના કુલ ૩૫ પરીક્ષા બિલ્ડીંગ, ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)ના કુલ ૧૭ પરીક્ષા બિલ્ડીંગ તથા ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહના કુલ-૫ પરીક્ષા બિલ્ડીંગ ઉપર તથા જિલ્લાના સ્ટ્રોંગરૂમ (સરકારી હાઇસ્કૂલ, સ્ટેશન રોડ, બોટાદ) ખાતે આ ચોક્કસ પ્રતિબંધો ફરમાવવામાં આવેલ છે.