Get The App

બેરાજા ગામે મજુર યુવતીએ ઝાડ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાધો

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
બેરાજા ગામે મજુર યુવતીએ ઝાડ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાધો 1 - image


માવતરે આવતી નહીં, તેમ કહી ભાઈએ સબંધ કાપી નાખતા

પિતા બીમાર હોવાથી ભાઈએ પૈસાની માગણી કરી હતી જે આપવાની ના પાડયા બાદ લાગી આવ્યું

 જામનગર  :  જોડિયા તાલુકાના બેરાજા ગામે ખેતમજુરી કરતી યુવતીના ભાઈએ પિતાની સારવાર માટે નાણા માગતા યુવતીએ પૈસા આપવાની ના પાડતા ભાઈએ સંબંધ કાપી નાખ્યો હતો. આથી હતપ્રભ બનીને  યુવતીએ લીમડાના ઝાડમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં મોત નીપજ્યું હતું.

 જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની ભાવિશાબેન કલાભાઈ બારીયા નામની ૧૯ વર્ષની યુવતીએ ગઈકાલે  વાડીમાં લીમડાના ઝાડની ડાળીમાં ચુંદડી બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પતિ મુકેશભાઈ નેહડાએ પોલીસને જાણ કરતાં જોડિયા પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ભાવિશાબેનના પિતાને વતનમાં સારવારની જરૃરિયાત હોવાથી તેના ભાઈ અરવિંદભાઈએ શિષ્યવૃત્તિના જમાં થયેલા પૈસા માંગ્યા હતા. તે પૈસા પોતે પહોંચાડી શકે તેમ ન હોવાથી પોતાના ભાઈને પૈસા આપવાની ના પાડતાં તેનો ભાઈ નારાજ થયો હતો, અને પછી માવતરે આવતી નહીં, તેમ કહી સબંધ કાપી નાખતાં તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. જે મામલે જોડિયા પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News