અમરોલી-કોસાડ આવાસમાં નવરાત્રિમાં ગરબા સ્થળે બે સગા ભાઇની કરપીણ હત્યા
Image Source: Freepik
ગરબા સ્થળે આડશ કરવા માટે પાર્ક વાહન ખસેડવા મુદ્દે ઝઘડો થયો હતોઃ ચપ્પુના ઘા ઝીંકનાર ત્રણ ડિટેઇન
સુરત, તા. 23 ઓક્ટોબર 2023 સોમવાર
અમરોલી-કોસાડ આવાસમાં ગત રાતે ઉત્સાહભેર આઠમના ગરબા રમાય રહ્યા હતા ત્યારે વાહન પાર્કીંગ મુદ્દે થયેલા ઝઘડામાં બે સગા ભાઇની ચપ્પુના ઘા ઝીકી કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારા સ્થાનિક ત્રણની અટકાયત કરી છે.
શહેરભરમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચાલી રહેલી નવરાત્રિ વચ્ચે ગત રાત્રે અમરોલી-કોસાડમાં આઠમના ગરબામાં લોહીયાળ બનવા પામ્યું હતું. કોસાડ આવાસમાં ગરબા સ્થળે વાહન પાર્ક કરી આડશ કરવામાં આવી હતી. આ વાહન હટાવવા મુદ્દે સ્થાનિક વિસ્તારના પરપ્રાંતિય માથાભારે તત્વોએ માથાકૂટ કરી હતી. જો કે આ ઝઘડામાં મામલો શાંત પડી ગયો હતો. પરંતુ અડધો કલાક બાદ માથાભારે તત્વો ચપ્પુ જેવા હથિયાર સાથે ઘસી આવી બે સગા ભાઇ પ્રવિણ અને રોહિતને ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. જેમાં બંનેને ગંભીર ઇજાને કારણે મોત થયું હતું. પોલીસે હત્યા કરનાર ત્રણને ડિટેઇન કર્યા છે.