Get The App

અમેરિકામાં ખેલાડીએ તાલીમ માટે મહિને 2 હજાર ડોલર જેટલો ખર્ચ કરવો પડે

અમેરિકા કરતા ભારતમાં ખેલાડીઓને વધુ સારી સુવિધા મળે છે અહી ખેલાડીઓને સરકારી નોકરી અને સ્પોન્સરશીપ મળે છે

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
અમેરિકામાં ખેલાડીએ તાલીમ માટે મહિને 2 હજાર ડોલર જેટલો ખર્ચ કરવો પડે 1 - image


વડોદરા : અમેરિકાની ટેબલ ટેનિસની નેશનલ મેન્સ ટીમનો સભ્ય અને અંડર-૧૯માં અમેરિકામાં નં.૨ નેશનલ રેંકિંગ ધરાવતો વેદ શેઠ મુળ વડોદરાનો છે અને હાલમાં તે અમેરિકાની નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેતા પહેલા વડોદરા આવ્યો છે. વેદ શેઠના પિતા રાજુલ શેઠ પણ ટેબલ ટેનિસમાં ગુજરાત સ્ટેટ ચેમ્પિયન રહી ચુક્યા છે અને અમેરિકામાં ટેબલ ટેનિસ લોકપ્રીય કરવામાં તેનો મુખ્ય ફાળો છે. બે દાયકા કરતા વધુ સમયથી શેઠ પરિવાર અમેરિકામાં સ્થાઇ હોવા છતાં વડોદરા સાથે સતત જોડાયેલા રહે છે અને આ વખતે ઉતરાયણની ઉજવણી કરવા તેઓ આવી પહોંચ્યા છે.

અમેરિકાને ટેબલ ટેનિસમાં છ ઓલિમ્પિક પ્લેયર આપનાર રાજુલ શેઠ અને ટેબલ ટેનિસમાં યુએસ નેશનલ પ્લેયર તેમનો પુત્ર વેદ શેઠ ઉત્તરાયણ મનાવવા વડોદરામાં

રાજુલ શેઠ ૨૦૨૨ સુધી વડોદરામાં જ હતા અને ટેબલ ટેનિસમાં સ્ટેટ ચેમ્પિયન બન્યા બાદ આઇપીસીએલમાં સ્પોર્ટ્સ ક્વોટામાં સેવા આપતા હતા. ૨૦૨૨માં અમેરિકા ગયા બાદ ત્યાં ટેબલ ટેનિસનો વ્યાપ વધાર્યો. રાજુલ કહે છે કે 'હું અમેરિકા ગયો ત્યારે ત્યાં ટેબલ ટેનિસને લોકો સિરિયલ લેતા નહતા. ૨૦૨૩માં મે ત્યાં ટેબલ ટેનિસની તાલીમ શરૃ કરી આજે દર અઠવાડિયે ૨૦૦થી વધુ લોકો તાલીમ લે છે. છેલ્લા આઠ વર્ષમાં મારી નીચે તાલીમ પામેલા અમેરિકન ખેલાડીઓમાંથી ૬ ખેલાડીઓ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થયા છે. ટેબલ ટેનિસ હોય કે અન્ય કોઇ સ્પોર્ટસ અમેરિકા કરતા ભારતમાં સ્થિતિ વધુ સારી છે. ટેબલ ટેનિસની ઓલિમ્પિક કક્ષાની તાલીમ માટે અમેરિકામાં ખેલાડીએ દર મહિને ૨ હજાર ડોલર (પોણા બે લાખ રૃપિયા) ખર્ચ કરવો પડે છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં તો ઓલિમ્પિક કક્ષાનો ખેલાડી હોય તો તેને સરકાર નોકરી આપે છે ઉપરથી અઢળક સ્પોન્સર મળે છે'

જ્યારે વેદ શેઠનું કહેવું છે કે 'ભારતમાં સ્પોર્ટ ક્ષેત્રે ઘણુ સારુ વાતાવરણ છે. હું અહી ૨૦ દિવસના રોકાણ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના સિનિયર ખેલાડીઓ જોડે પ્રેક્ટિસ કરીશ.' ઉલ્લેખનીય છે કે વેદ શેઠ વર્ષ ૨૦૨૩માં યોજાયેલી યુ.એસ. નેશનલ ચેમ્પિયનશિપમાં અં-૧૯માં સિલ્વર અને અં-૨૧માં બ્રોન્ઝ મેડલ જીતી ચુક્યો છે. ઉપરાંત વર્લ્ડ જુનિયર રેંકિંગ ટૂર્નામેન્ટમાં તેણે એક સિલ્વર અને ૩ બ્રોન્ઝ મળી ચાર મેડલ જીત્યા હતા તો વર્લ્ડ હાઇસ્કૂલ ગેમ્પસમાં પણ એક બ્રોન્ઝ અને એક સિલ્વર મળી બે મેડલ જીત્યા હતા.


Google NewsGoogle News