વડોદરા : બેઝમેન્ટમાં પાણી ઉલેચવા ગયા અને કરંટ લાગતા મેનેજર અને સિક્યોરિટી ગાર્ડનું મોત

પાણી ઉલેચતા સમયે કરંટ લાગવાથી મોત થયાનું અનુમાન : તંત્ર પાસે મદદ માંગી પણ ના મળી

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
વડોદરા : બેઝમેન્ટમાં પાણી ઉલેચવા ગયા અને કરંટ લાગતા મેનેજર અને સિક્યોરિટી ગાર્ડનું મોત 1 - image


Gujarat Vadodara Flood News | વડોદરા શહેર નજીકના વેમાલી ગામે આવેલા આતિથ્ય પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં ભરાયેલા પાણી ઉલેચવા માટે નીચે ઉતરેલા મેનેજર અને સિક્યુરિટી જવાનના મોત  નિપજ્યા  છે. પ્રાથમિક દ્રષ્ટિએ બંનેના મોત કરંટ લાગવાથી થયા હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. મંજુસર પોલીસે બંનેના મૃતદેહનું પીએમ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

શહેર નજીકના વેમાલી ગામે આવેલા અતિથ્ય પાર્ટી પ્લોટમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ભરાઈ ગયા હતા. પાણી બેઝમેન્ટમાંથી બહાર કાઢવા માટે તંત્રની મદદ બે દિવસથી માંગવામાં આવી રહી હતી. પરંતુ, તંત્ર અન્ય કામમાં વ્યસ્ત હોય ત્યાં પહોંચ્યું નહતું. આજે સવારે મેનેજર મયૂર બલદેવભાઇ પટેલ, ઉં.વ.૩૪  (રહે.સોનલ એવન્યુ, અભિલાષા  ચાર રસ્તા, ન્યૂ સમા રોડ) તથા સિક્યુરિટી જવાન સુરેશ ચંદુભાઇ પઢિયાર, ઉં.વ.૪૧(રહે. ભાથીજી મંદિર ફળિયું, વેમાલી ગામ, મૂળ રહે. કારેલી ગામ તા.જંબુસર જિ.ભરૃચ) ની લાશ બેઝમેન્ટના પાણીમાંથી મળી આવી હતી. બનાવના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ મળતી માહિતી મુજબ, મેનેજર અને સિક્યુરિટી જવાન પાણી ઉલેચવા માટે અંદર ઉતર્યા હતા. તે દરમિયાન કરંટ લાગવાથી તેમના મોત થયાનું અનુમાન છે. જોકે, મોતનું ચોક્કસ કારણ પી.એમ. રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે. મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ ટાંકે વધુમાં જણાવ્યું હતું કે, બંનેના મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.

સુરેશભાઇના સંબંધીનો આક્ષેપ : પાર્ટી પ્લોટના માલિકના દબાણના કારણે તેઓ પાણી ઉલેચવા ગયા હતા

સિક્યુરિટી જવાન સુરેશ પઢિયારના સંબંધી સુનિલ પરમારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સુરેશભાઇ રોજ રાતે પાર્ટી  પ્લોટમાં જતા  હતા. ગઇકાલે વરસાદ પડતો હોવાથી તેઓ ગયા નહતા. રાતે મેનેજર મયૂર પટેલ તેઓને લેવા માટે ઘરે આવ્યા હતા. મયૂર પટેલે અમને કહ્યું હતું કે, માલિક અજય પટેલનું મારા  પર દબાણ છે કે, પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં ભરાયેલું પાણી ખાલી કરો. જેથી, હું તમને લેવા માટે આવ્યો છું. મારા પર બહુ પ્રેશર છે.

જ્યાં સુધી અમને ન્યાય નહી મળે ત્યાં સુધી અમે અંતિમ સંસ્કાર નહીં કરીએ 

સુનિલ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, સુરેશભાઇના પત્ની પણ પાર્ટી પ્લોટમાં સફાઇની કામગીરી કરતા  હતા. સુરેશભાઇ  અને મેનેજર મયૂર પટેલ બંને મિત્રો હતા. જેથી, મેનેજરની વાત માનીને સુરેશભાઇ તેમની સાથે પાર્ટી પ્લોટ પર ગયા હતા. માલિકના પ્રેશરના કારણે જ સુરેશભાઇ અને મેનેજર મયૂર પટેલના મોત થયા છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે  અંતિમ સંસ્કાર નહી ંકરીએ. અમને સયાજી હોસ્પિટલમાંથી મૃતદેહ મળશે તો અમે તેને પરત પાર્ટી પ્લોટમાં લઇ જઇશું.


Google NewsGoogle News