Get The App

પ્રમુખસ્વામી મહારાજનગરના વિસર્જનની પ્રક્રિયા શરૂ, 30 દિવસમાં 1.21 કરોડથી વધુ લોકોએ લાભ લીધો

30 દિવસ સુધી અવિરત ઉજવાયો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ

પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં 1.21કરોડથી વધુ મુલાકાતીઓ આવ્યા

Updated: Jan 15th, 2023


Google NewsGoogle News
પ્રમુખસ્વામી મહારાજનગરના વિસર્જનની પ્રક્રિયા શરૂ, 30 દિવસમાં 1.21 કરોડથી વધુ લોકોએ લાભ લીધો 1 - image

અમદાવાદ, તા.15 જાન્યુઆરી-2023, રવિવાર

પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની છેલ્લાં પાંચ વર્ષની ઉજવણીના ભાગરૃપે છેલ્લી ભવ્ય ઉજવણી ઓગણજ ખાતે તૈયાર કરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં કરવામાં આવી હતી. રવિવારે સમાપન સમારોહમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

એક કરોડથી વધુ લોકોએ પ્રમુખસ્વામી નગરની મુલાકાત લીધી

સતત એક વર્ષની રાત દિવસની મહેનત બાદ તૈયાર કરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક મહિના સુધી એક કરોડથી  વધુ મુલાકાતીઓ આવ્યા હતા. દોઢ લાખ લોકોએ  વ્યસન મુક્તિ નો સંકલ્પ લીધો હતો અને લાખો સીસી બ્લડ ડોનેશન આવ્યું હતું. 3 લાખથી વધુ બાળકોએ નિયમ ગ્રહણ કર્યા હતા. ગુજરાતમાં કોઈ ધાર્મિક ઉત્સવમાં  એક કરોડ  21 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હોય એવો આ સૌથી મોટો ઉત્સવ છે.

પ્રમુખસ્વામી મહારાજનગરના વિસર્જનની પ્રક્રિયા શરૂ, 30 દિવસમાં 1.21 કરોડથી વધુ લોકોએ લાભ લીધો 2 - image

સૌ પ્રથમ પેવર બ્લોક હટાવવાની કામગીરી શરૂ કરાઈ

BAPSના વડા મહંત સ્વામી મહારાજે તમામને આશીર્વાદ આપ્યા હતા. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ  સાથે વર્ષો સુધી વિચરણ કરનાર સંતોએ તેમની સાથેના પ્રસંગોને યાદ કર્યા હતા. આજથી હવે પ્રમુખસ્વામી મહારાજ નગરના વિસર્જનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ પેવર બ્લોક હટાવવાની શરૃઆત કરવામાં આવી છે. જે માટે 10 હજારથી વધુ સ્વંયસેવકો કાર્યરત રહેશે. આ કામગીરીની શરૂઆત પેવર બ્લોક હટાવવાથી કરવામાં આવી છે. ત્યારબાદ વિવિધ પ્રદર્શનને આયોજનબદ્ધ રીતે હટાવવામાં આવશે. 

ગાર્ડનના ફુલ અને કૃતિઓને ગાંધીનગર અક્ષરધામમાં લઇ જવાશે

જ્યારે ગ્લો ગાર્ડનના ફુલ અને કૃતિઓને ગાંધીનગર અક્ષરધામ ખાતે લઇ જવામાં આવશે. તેમ સુત્રોએ જણાવ્યું હતું. ગ્લો ગાર્ડન નગરમાં મુખ્ય આકર્ષણ પૈકીનું સૌથી મહત્વનું આકર્ષણ હતું, જેને તૈયાર કરવા માટે સ્વયંસેવકોએ વિશેષ તૈયારીઓ કરી હતી. આ રીતે પ્રમુખસ્વામી મહારાજની હાથની મુદ્રાઓને દર્શાવતા વાંસની કલાકૃતિઓને પણ ગુજરાતના વિવિધ મંદિરોમાં સ્થાપિત કરાશે. 

આ રીતે અન્ય સ્થાળાંતરિત થઈ શકે તેવી તમામ વસ્તુઓ અને કૃતિઓનો પુનઃ ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં 600 એકરમાં તૈયાર કરાયેલા નગરમાં ઉજવાયેલો મહોત્સવ ભારતનો સૌથી મોટો મહોત્સવ બન્યો છે.


Google NewsGoogle News