'2024માં દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા ચીપનું ઉત્પાદન ગુજરાતમાં થશે' વાઈબ્રન્ટ સમિટમાં કેન્દ્રીય મંત્રીની જાહેરાત
સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું
Vibrant Gujarat Global Summit: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં દેશ-વિદેશના પ્રેસિડેન્ટ વડાપ્રધાન સહિતના રાજકીય નેતાઓ મંત્રીઓ તેમજ કંપનીના ઉદ્યોગપતિઓ પોતાની હાજરી આપી રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરવામાં વડાપ્રધાનનાં વિઝનથી શરૂ થયેલું એવું મોડેલ છે જેનાં કારણે ગુજરાતમાં નવી ટેકનોલોજી અને નવા ઉદ્યોગો આવ્યાં છે. 2024માં દેશની પહેલી મેક ઈન ઇન્ડીયા ચીપનું ઉત્પાદન ગુજરાતમાં થશે.
સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ભારતમાં ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. હેલ્થ,એગ્રીકલ્ચર કે લોજીસ્ટીક્સ, માનવ જીવનને સ્પર્શતા તમામ સેક્ટરમાં સ્માર્ટ ટેકનોલોજી યુસેજ વધી રહ્યો છે. ઈન્ટરનેટ ઓફ થીંગ્ઝ અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ ડે-ટુ-ડે લાઇફમાં સામેલ થઇ રહ્યું છે. આ તમામ અત્યાધુનિક ટેકનોલોજીના મૂળમાં સેમિકન્ડક્ટર ચીપ અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ જ છે અને વિશ્વને રિલાયેબલ ચીપ સપ્લાય ચેઈનની જરૂર છે.
આ સેમિનારમાં માઈક્રોનનાં સીઈઓ સંજય મેહરોત્રાએ રાજ્ય સરકાર અને ભારત સરકારનાં અભૂતપૂર્વ સહકાર બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, ભારતમાં મજબૂત સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનું નિર્માણ થશે તે દિવસો દૂર નથી. સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં ગુજરાત સરકાર અને કોરીયન કંપની સિન્ટેક વચ્ચે એમ.ઓ.યુ. થયાં હતા. આ સાથે માઇક્રોન અને નેનટેક તથા સીસ્કો અને નેનટેક વચ્ચે સહભાગીતા માટેનાં કરાર થયાં હતા.