7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારા હેવાનને ફાંસી, ખંભાત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Khambhat Sessions Court: ખંભાત સેશન્સ કોર્ટે સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા ફટકારી છે. નોંધનીય છે કે, વર્ષ 2019માં બનેલી આ ઘટનામાં આરોપીએ લાલચ આપીને બાળકીને લઈ ગયો હતો. ત્યારબાદ તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી.
આજથી 7 વર્ષ પહેલાં વર્ષ 2019માં ઘટનાનો આરોપી અર્જુન બેસતા વર્ષના દિવસે સાત વર્ષની બાળકીને દારૂખાનું આપવાની લાલચ આપીને પોતાની સાથે લઇ ગયો હતો. ત્યારબાદ તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પછી પુરાવા નાશ કરવા માસૂમ બાળકીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મહાદેવ મંદિરની પાછળ પાણીની કાંસમાંથી અર્ધનગ્ન અવસ્થામાં બાળકીનો મૃતહે મળી આવ્યો હતો.
આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે ધારદાર અને મજબૂત દલીલો રજૂ કરી હતી. કોર્ટે આરોપી સામે રજૂ કરેલા તમામ પુરાવાઓ અને સાક્ષીઓને આધારે દોષિત ગણી ફાંસીની સજા ફટકારી હતી.