લારીગલ્લા અને પથારા ૧૫ દિવસમાં છોડી દેવાના ઠરાવનો અમલ કરો
જો આ ઠરાવનો અમલ નહીં કરાય તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવા વિપક્ષની ચીમકી
વડોદરા, હાલમાં વડોદરા કોર્પો. દ્વારા લારી ગલ્લા ઊઠાવવામાં આવી રહ્યા છે, અને સામાન પણ જપ્ત કરી લેવામાં આવી રહ્યા છે, અને સામાન પણ જપ્ત કરી લેવામાં આવે છે. વડોદરા કોર્પો.એ વર્ષ ૨૦૦૨માં એક ઠરાવ કર્યો હતો કે, લારી-ગલ્લા પથારા ૧૫ દિવસમાં છોડી દેવા. જો આ ઠરાવનો અમલ નહીં કરાય તો ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવા ચીમકી આપી છે.
લોકો પોતાનું જીવનનિર્વાહ કરવા રસ્તા ઉપર પથારો નાંખીને અથવા લારી કરીને પોતાનો ગુજારો ચલાવે છે. પ્રધાનમંત્રી સ્વરોજગાર યોજના અંતર્ગત લારીઓ આપવામાં આવી છે. આવી વ્યક્તિઓ માટે લોનની યોજના શરૃ કરી છે.
લોકોને અન્યાય ન થાય અને લારી ગલ્લાવાળા સ્વમાનભેર પોતાનો ધંધો કરી શકે તે માટે સ્ટ્રીટ વેન્ડર પલિસી લાવવામાં આવી છે, પરંતુ તેનો અમલ થતો નથી. પાલિકા દ્વારા લારી ગલ્લા અને પથારાવાળા માટે કોઈ ચોક્કસ નીતિ નિયમ ઘડવા જોઈએ અને તેઓને ધંધો કરવા માટે જગ્યા આપવી જોઈએ. વર્ષ ૨૦૦૨ માં એક દરખાસ્ત લાવીને દિન-૧૫માં લારી ગલ્લા પરત આપવા નક્કી કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ આજદિન સુધી નિયમની અમલવારી દિન-૧૫માં લારી છોડવામાં આવતી હતી, પરંતુ હવે લારી છોડવામાં આવતી નથી. કોર્પો.ની સામાન્ય સભાએ તા. ૨૭-૧૨-૨૦૦૨ થી સર્વાનુમતે લારી ૧૫ દિવસમાં પરત આપવાની જે નીતિ છે તેનો અમલ ન કરીને ગેરકાયદે કૃત્ય વડોદરા પાલિકા કરી રહ્યું છે. જો તેમાં ફેરબદલ કરવો હોય તો સામાન્ય સભાની મંજૂરી આવશ્યક છે. સામાન્ય સભાના નિર્ણયની અવગણના કરીને લારી છોડવામાં આવતી નથી. એમ વિપક્ષ કોંગ્રેસના નેતાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે.