પાટણ રેગિંગ કાંડની અસર, MSU હોસ્ટેલના દરેક હોલમાં વિદ્યાર્થીઓની બેઠક બોલાવવા આદેશ
M S University Vadodara : પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક જૂનિયર વિદ્યાર્થીનું રેગિંગના કારણે મોત થયા બાદ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો પણ હરકતમાં આવ્યા છે. રેગિંગ થવાનું સૌથી મોટુ જોખમ હોસ્ટેલમાં રહેતું હોય છે અને તેના કારણે ચીફ વોર્ડને હોસ્ટેલના તમામ વોર્ડનોને વિદ્યાર્થીઓની બેઠક બોલાવીને તેમને રેગિંગના ગુનાની ગંભીરતા સમજાવવા અને વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરવા માટે સૂચના આપી છે. હોસ્ટેલના સૂત્રોના કહેવા પ્રમાણે ચીફ વોર્ડન દ્વારા દરેક હોલના વોર્ડનને રેગિંગને લઈને વિદ્યાર્થીઓની બેઠક યોજવા માટે તેમજ હોસ્ટેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટે આદેશ આપ્યો છે.
ચીફ વોર્ડન વિજય પરમારે કહ્યું હતું કે, હજી સુધી હોસ્ટેલમાં રેગિંગનો એક પણ કેસ સામે આવ્યો નથી. એમ પણ દરેક હોલની એક્ઝિક્યુટિવ કમિટિમાં એફવાયના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેથી સિનિયર અને જુનિયર વચ્ચે સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે. ઉપરાંત હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે ત્યારે પણ તેમને ઓરિએન્ટેશનના ભાગરૂપે રેગિંગ કરવા સામે ચેતવણી આપવામાં આવે છે તેમજ એફવાયના વિદ્યાર્થીઓને પણ સિનિયરો દ્વારા રેગિંગ કરવામાં આવે તો વોર્ડનોને તરત જાણ કરવા માટે કહેવામાં આવે છે. આમ છતા દરેક હોલમાં વોર્ડનોને રેગિંગને લઈને ફરી વિદ્યાર્થીઓની બેઠક બોલાવવા માટે કહેવામાં આવ્યું છે.
દરમિયાન યુનિવર્સિટી સત્તાધીશોએ પણ એન્ટિ રેગિંગ કમિટિની જાહેરાત કરી છે. જેના ચેર પર્સન તરીકે વાઈસ ચાન્સેલર છે. આ કમિટિમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો સહિત કુલ 19 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.