આતંકવાદી હુમલાની અસર, વડોદરામાં 15 મે સુધીના કાશ્મીરના 80 ટકા બુકિંગ લોકોએ કેન્સલ કર્યા
Vadodara : કાશ્મીરના પહલગામમાં તારીખ 22 એપ્રિલના રોજ પ્રવાસીઓ પર થયેલા ગોઝારા આતંકવાદી હુમલા બાદ વડોદરાના ટ્રાવેલ એજન્ટો પર કાશ્મીરની ટૂરના બુકિંગ કેન્સલ કરવા માટે લોકો ફોન કરી રહ્યા છે.
વડોદરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ શાહએ કહ્યું હતું કે આ વખતે કાશ્મીરની ટૂર માટે ઉનાળા વેકેશનમાં લોકોનો ભારે ઘસારો હતો. જુનના પહેલા સપ્તાહ સુધી કાશ્મીરમાં મોટાભાગની હોટલો પણ ફૂલ હતી. ગઈકાલે થયેલા આતંકવાદી હુમલા બાદ સ્વાભાવિક રીતે લોકો ડરી રહ્યા છે. અમારા એસોસિયેશનના મોટાભાગના એજન્ટોના 15મી સુધીના કાશ્મીરના 80 ટકા પેકેજ કેન્સલ થયા છે.
બીજી તરફ અત્યારે જે લોકો કાશ્મીરમાં ફરવા ગયા છે તેઓ પણ તત્કાલ પોતાના ઘરે પાછા ફરવા માંગે છે. કાશ્મીરના સ્થાનિક એજન્ટો તેમને મદદરૂપ થઈ રહ્યા છે અમારા અને બીજા એસોસિયેશન એ ત્યાંના સ્થાનિક એજન્ટોના નંબર પણ જાહેર કર્યા છે. વિવિધ એરલાઇન્સે પણ તારીખ 30 એપ્રિલ સુધી કાશ્મીરની ટિકિટો કેન્સલ કરાવનારને તમામ પૈસા પરત આપવાની જાહેરાત કરી છે.
બીજી તરફ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિયેશન ઓફ વડોદરાના પ્રમુખ મનીષ શાહે કહ્યું હતું કે અમારા એસોસિયેશનના સભ્યોને અમે આ સિઝનની કાશ્મીરની તમામ ટૂર રદ કરવાની સલાહ આપી છે. આગામી અમરનાથ યાત્રાએ જનારા ભાવિકોની સંખ્યા પર પણ આ હુમલાની અસર પડે તેવું મને લાગી રહ્યું છે. લોકો કાશ્મીરની જગ્યાએ મનાલી, નૈનીતાલ જેવા વિકલ્પો અંગે પૂછપરછ કરી રહ્યા છે. ઉપરાંત જેમને બુકિંગ કેન્સલ કરાવવું હોય તેમને એજન્ટો રિફંડ પણ આપી રહ્યા છે.