જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે 45 જેટલી ગેરકાયદે દુકાનોને ખાલી કરવાની નોટિસની અસર : સ્વયંભૂ જગ્યા ખુલ્લી કરતા ધંધાર્થીઓ
Jamnagar : જામનગરમાં મહાપ્રભુજી બેઠક માર્ગે મહાનગરપાલિકાની માલિકીની જગ્યામાં 45 દુકાનો ગેરકાયદે ખડકી દેવામાં આવી છે. આ દુકાનોને મહાનગરપાલિકા દ્વારા નોટીસો આપવામાં આવી હતી, જેની વ્યાપક અસર જોવા મળી રહી છે, અને નોટીસ સમય પૂર્ણ થાય તે પહેલા જ ધંધાર્થીઓ દ્વારા સ્વયંભૂ જગ્યા ખુલી કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.
જામનગરમાં મહાપ્રભુજી બેઠક માર્ગે જમીનનો એક પ્લોટ જે બાગબગીચા માટે રીઝર્વ રખાયો હતો. તેમાં વર્ષોથી ગેરકાયદે દુકાનોનું બાંધકામ કરી નાખવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા આવી તમામ દુકાનદારોને તા.8-2-2025 સુધીમાં સ્વેચ્છાએ બાંધકામ દૂર કરવા માટે નોટીસો આપવામાં આવી હતી.
અન્યથા નોટીસની સમય મર્યાદા પૂર્ણ થયા પછી મહાનગરપાલિકા દ્વારા આવી દુકાનો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે, એવી આખરી મહેતલ અપાઈ હતી, પરંતુ તે પહેલા જ મોટાભાગના ધંધાર્થીઓ દ્વારા પોતાની જગ્યા માંથી ઉપયોગમાં લઈ શકાય તેવો શટર તથા અન્ય માલ સામાન કાઢી લઈ, સ્વયંભૂ જગ્યા ખાલી કરી નાખી મહાનગર પાલિકાની જગ્યાને ખુલી કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લીધી છે.
માત્ર પાંચથી છ દુકાનદારોના શટર વગેરે કાઢવાનું બાકી રહ્યું છે, જે સિવાય બાકીના તમામ ધંધાર્થીઓએ પોતાનો ઉપયોગમાં લઈ શકાય તેવો તમામ જરૂરી માલ સામાન કાઢી લીધો છે, અને માત્ર ખાલી દુકાનોનો કાટમાળ ઉભો રહ્યો છે. જેના પર ટૂંક સમયમાં મહાનગરપાલિકાની ટિમ દ્વારા બુલડોઝર ફેરવી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, અને જમીન ખુલી કરાવાશે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત તેમજ દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા સહિતની ટીમ ઉપરોક્ત વિસ્તારનું સર્વે કરી રહી છે.