Get The App

ભીડની અસરઃ દિવાળી પછી કેસો વધતા નિયંત્રણોમાં વધુ છૂટછાટ મોડી થવા વકી

- રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિત મહાનગરોમાં ફરી કોરોના

- નવેમ્બરમાં લગ્ન ગાળો અને ભાજપના કાર્યક્રમો જાહેર થતા કોરોના નિયંત્રણો ફરી કડક બનવાની શક્યતા નહીવત્

Updated: Nov 11th, 2021


Google NewsGoogle News
ભીડની અસરઃ દિવાળી પછી કેસો વધતા નિયંત્રણોમાં વધુ છૂટછાટ મોડી થવા વકી 1 - image


રાજકોટ, : નજીકના સમયમાં જો કોરોના કેસોમાં એપ્રિલ-મેની જેમ ફરી ચિંતાજનક વધારો ન થાય તો કોરોનાના રહ્યા સહ્યા, ઢીલા પડેલા નિયંત્રણોમાં પણ વધુ છૂટછાટ મળે તેવી વિચારણાને હાલ કેસોમાં ફરી આંશિક વધારો થતા બ્રેક લાગ્યાનું જાણવા મળે છે.  છેલ્લા ચારેક માસથી કોરોના કેસો નિયંત્રણમાં છે અને ક્યારેક અચાનક આવતા છૂટાછવાયા કેસો સિવાય સાર્વત્રિક વધારો જોવાયો નથી જેના પગલે રાત્રિ કર્ફ્યુ હાલ કહેવાપુરતો રાત્રિના ૧થી ૫ અને દુકાનો રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લી રાખવા છૂુટ અપાયા બાદ હવે પ્રાથમિક શિક્ષણ શરુ કરવા સહિતની વિચારણા ચાલી રહી છે ત્યારે આજે રાજ્યમાં આજે કોરોના કેસો વધીને ૪૨એ પહોંચ્યા હતા.

તા.૧૫ નવેમ્બર તુલસી વિવાહ પછી ગુજરાતભરમાં લગ્નગાળો પૂરબહારમાં ખિલી ઉઠશે. બે વર્ષથી પેન્ડીંગ રાખેલા લગ્નો હવે લાંબા સમયથી કોરોનામાં રાહતના પગલે લેવાઈ રહ્યા છે. જેમાં લોકોને સ્વાભાવિક નિયંત્રણોથી મુક્તિ જોઈએ તો બીજી તરફ ભાજપના મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખથી માંડીને તમામ નેતાઓના ગામે ગામ કાર્યક્રમોનો સિલસિલો તા.૧૮થી શરુ થઈ રહ્યો છે. જેમાં નિયંત્રણો હતા ત્યારે પણ માસ્ક-ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ થતો રહ્યો છે ત્યારે હવે નિયમો મજાકરૃપ ન બને તે માટે સરકાર નિયંત્રણોમાં વધુ મુક્તિ આપે અને ખાસ કરીને રાત્રિ કર્ફ્યુ જેવા કડક નિયંત્રણો ફરી ન લાદે તેવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે વેપારી અને ઔદ્યોગિક સંગઠનોએ સરકાર પાસે ફરજીયાત માસ્કથી મુક્તિ આપવા, કર્ફ્યુ રદ કરવા સહિતની માંગણીઓ અગાઉ કરેલી જ છે. લોકો ધરાર અને અતાર્કિક રીતે લાદી દેવાતા નિયંત્રણોથી કંટાળ્યા છે અને તેના પગલે સરકારના એક મંત્રીએ પણ વધુ છૂટછાટ આપવાનો નિર્દેશ દિવાળી પહેલા આપ્યો હતો.  

પરંતુ,દિવાળીની ભીડનું આંશિક પરિણામ જોવા મળ્યું છે, આજે અમદાવાદમાં ૧૬, રાજકોટમાં વધુ ૨, વડોદરા ૪, સુરતમાં ૫ કેસો નોંધાયા હતા. જો કે કેસોમાં આંશિક વધારો થયો છે અને કોઈ મૃત્યુ નોંધાયું નથી કે દર્દીઓ ગંભીર બનવાનું પ્રમાણ નહીવત્ છે અને સાથે મોટાભાગની વસ્તીને વેક્સીનનો સીંગલ ડોઝ અપાઈ ગયો હોય તબીબી અભિપ્રાયો મૂજબ વધુ લોકોને કોરોના થવાની અને થાય તો ગંભીર બનવાની શક્યતા ઘણી ઓછી છે તે કારણે જ હજુ થર્ડવેવ આવ્યો નથી.  આ સ્થિતિમાં હવે કેસો આંશિક વધે તો વધુ છૂટછાટો ઢીલમાં મુકાય પણ આપેલી છૂટછાટ પરત ખેંચાય તો ખુદ ભાજપના કાર્યક્રમો પડતા મુકવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. 

રાજકોટમાં હજુ 'દૂરથી જ રામરામ 'કહેવાનો સમય,   : કોરોનાનું લોકલ ટ્રાન્સમીશન, ક્યાંય ગયા નહીં તોય કોરોના : બહુમાળી પાસે પછી પંચવટી-યોગીનિકેતનમાં કેસો,વેક્સીનના બન્ને ડોઝ લેવા છતાં ચેપ, રસીની અસર કેટલા દિવસ તે સવાલ

રાજકોટમાં દિવાળી પહેલા બહારગામ ફરવા ગયેલાને અને મોટી ઉંમરના લોકોને જ કોરોનાનો ચેપ લાગતો તેની જગ્યાએ દિવાળી પછી લોકલ ટ્રાન્સમીશન (સ્થાનિક સંક્રમણ)ના કેસો વધુ જોવા મળી રહ્યા છે. બે દિવસ પહેલા ચાર દર્દીઓ ક્યાંય ફરવા ન ગયા છતાં કોરોના થયા બાદ આજે યોગી નિકેતન સોસાયટીમાં ૮૦ વર્ષના વૃધ્ધા અને  પંચવટી સોસાયટી વિસ્તારમાં ૨૦ વર્ષીય યુવતીને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે.

અગાઉના દર્દીઓની જેમ આ બન્ન દર્દીઓએ કોરોના વેક્સીનના બન્ને ડોઝ  લઈ લીધા હતા છતાં કોરોનાનો ચેપ લાગ્યો છે. એક માસમાં અપવાદને બાદ કરતા તમામ દર્દીઓએ કોરોના રસી લીધાના ચાર-છ મહિનામાં ચેપ લાગ્યો છે. ત્યારે રસીની અસર કેટલો સમય રહે તે સવાલ પણ લોકોમાં જાગ્યો છે.

પરંતુ, એકંદરે અગાઉ સપ્તાહે એક-બે કેસની જગ્યાએ ત્રણ દિવસમાં શહેરમાં ૮ પોઝીટીવ કેસથી  ખતરો હજુ ટળ્યો નથી ત્યારે હજુ નવા વર્ષના સાલમુબારક કહેવા હાથ મિલાવવાને બદલે હાથ જોડવાનો અને દૂરથી જ રામરામ કરવાનો સમય છે. ખરીદી માટે, ફરવા માટે, દર્શન માટે અને હવે લગ્નગાળો અને રાજકીય કાર્યક્રમોના ભીડ થતી રહીછે, થતી રહેશે અને માસ્ક ડિસ્ટન્સ સાવ વિસારે પાડી દેવાયા છે ત્યારે જો નવો વેરિયેન્ટ ઘુસી જાય તો કેસો વધવાનું જોખમ સર્જાયું છે. 


Google NewsGoogle News