ગુજરાતમાં મતદાનના દિવસે આ નવું ટેન્શન, હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ
Gujarat: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) માટેનું કાઉન્ટડાઉન હવે કલાકોમાં શરૂ થઇ ગયું છે. 7 મેના મતદાન છે ત્યારે અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
મતદાનના દિવસે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી અનુસાર 5-6 મેના ગુજરાતમાં ગરમીને લગતી કોઇ એલર્ટ નથી. પરંતુ 7-8-9 મેના પોરબંદર-ભાવનગર-ગીર સોમનાથ-કચ્છમાં યલો એલર્ટ જ્યારે અન્યત્ર હીટ વેવ રહેશે. અમદાવાદમાં 7 મેના તાપમાન 43 ડિગ્રી થવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરાઈ છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં 7 મેના તાપમાન 42 ડિગ્રી થઈ શકે છે.
અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઈ
દરમિયાન શનિવારે અમરેલીમાં 43 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. છોટા ઉદેપુર, વડોદરા, રાજકોટ, અમદાવાદ, સુરત, ડાંગમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. અમદાવાદમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું. ગત રાત્રિએ અમદાવાદમાં 28.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 2.5 ડિગ્રી વધ્યું હતું.