વડોદરામાં છાણી કેનાલની આસપાસ ગેરકાયદે બાંધેલા ઝૂંપડા કોર્પોરેશને તોડ્યા
Vadodara Corporation : વડોદરા છાણી સમા કેનાલ પાસેની વિશ્વામિત્રીના કાંસને અડીને બનેલા 25 જેટલા ગેરકાયદે બનેલા ઝૂંપડાને પાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ ઝુંપડાઓ તોડી નાખવામાં આવ્યા હતા. પરંતુ શ્રમજીવીઓએ આ ગેરકાયદે ઝુંપડા ફરીવાર બનાવીને રહેવાનું શરૂ કર્યું છે.
વડોદરા શહેરમાં ઠેર-ઠેર લારી ગલ્લા કાચા ઝૂંપડાના ગેરકાયદે દવાણોનો રાફડો ફાટ્યો છે. પાલિકા તંત્રની દબાણ શાખા જે જગ્યાએથી ગેરકાયદે દબાણ હટાવે કે તુરત જ થોડા સમયમાં આ દબાણો યથાવત થઈ જાય છે. આવી જ રીતે સમા-છાણી કેનાલ રોડ પર વિશ્વામિત્રી નદીના કાંસ પર અગાઉ બનેલા 40 જેટલા ગેરકાયદે ઝૂંપડાઓ પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે બે ત્રણ મહિના અગાઉ તોડી પાડ્યા હતા. પરંતુ હાલમાં વરસાદની સિઝન પૂરી થતાં આજ તમામ દબાણો પૈકી 25 જેટલા ગેરકાયદે ઝુપડા બનાવીને શ્રમજીવીઓએ અડીંગો જમાવી દીધો હતો. આ અંગેની ફરિયાદ પાલિકા તંત્રને મળી હતી. પરિણામે પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને આ તમામ 25 જેટલા ઝૂપડાનો સફાયો કરી દેવાયો હતો. ઝુંપડાના દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઇ હોવાની જાણ થતા આસપાસની સોસાયટીના રહીશો દબાણ શાખાની કાર્યવાહી જોવા ટોળે વળ્યા હતા.