ભાલેજ ગામમાંથી 885 કિલો ગૌમાંસ સાથે ગેરકાયદે ચાલતું કતલખાનું ઝડપાયું
- દરોડામાં ચાર શખ્સો ઝડપાયા, પાંચ શખ્સો ફરાર
આણંદ : ભાલેજ ગામમાંથી ગેરકાયદે ચાલતું કતલખાનું ઝડપાયું છે. આણંદ એલસીબીના દરોડામાં ૮૮૫ કિલો ગૌમાંસ સાથે ચાર શખ્સો પણ ઝડપાયા છે. જ્યારે ૧૦ ગૌવંશને કતલથી બચાવી લેવાયા પણ છે. ત્યારે પોલીસે ગૌમાંસ, પશુ કલત કરવાની સામગ્રી સહિત રૂા. ૬.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે ૯ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
આણંદના ભાલેજ ગામમાં કુરેશી મહોલ્લામાં રહેતા કાદરભાઈ મહમદભાઈ કુરેશી અને ઈસાકભાઈ સિદ્દીકભાઈ કુરેશી (આણંદવાળા) મળતિયાઓ સાથે મળી ગૌવંશની કતલ કરી ગૌમાંસ વેચાણનો ધંધો કરતા હતા. જ્યાં આણંદ એલસીબીએ રેડ પાડી ૧૦ ગૌવંશને કતલથી બચાવી લીધા હતા. દરોડા દરમિયાન રૂા. ૧.૭૭ લાખનું ૮૮૫ કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કરાયો હતો. પોલીસે કાદરભાઈ ઉર્ફે કાદરહાજી મહમંદભાઈ કુરેશી, જીલાનીભાઈ રબ્બાનીભાઈ કુરેશી, મુસ્તુફા રસુલભાઈ કુરેશી, સકિલભાઈ સિકંદરભાઈ કુરેશી તમામ રહે. કુરેશ મહોલ્લા, ભાલેજવાળાને ઝડપી પાડયા છે.
ગેરકાયદે કતલખાનામાંથી વજનકાંટા સહિત પશુને કતલ કરવાની સામગ્રી સહિત કુલ રૂા. ૬.૬૩ લાખનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. જ્યારે ઈસાકભાઈ સિદ્દીકભાઈ કુરેશી (રહે. આણંદ પોલસન ડેરી રોડ), મુસ્તકીમભાઈ ઉર્ફે બાટલી મહેબુબભાઈ કુરેશી (ભાલેજ), મહેબુબભાઈ કમાલભાઈ શેખ (અલીણા, તા. મહુધા) અને હસન ઉર્ફે ભાઈ ઉર્ફે કઠલાલલી મુસ્તુફા કુરેશી ભાલેજવાળાને ફરાર જાહેર કરી ૯થી વધુ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.