મહી નદીમાં ફ્લાઇંગ સ્ક્વોડના દરોડા બાદ પણ ગેરકાયદે રેતીખનન
ખાણ ખનીજે ફરી દરોડા પાડી ચાર ડમ્પર સહિત રૃા.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સાવલી તા.૧૮ સાવલી તાલુકાના પોઇચા કનોડા ખાતે મહી નદીમાં વડોદરા ખાણ ખનીજની ટીમે ગેરકાયદે ખનન કરતા તત્વો પર દરોડા પાડીને ખનન માટેની મશીનરી તેમજ ડમ્પર મળી કુલ રૃા.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સાવલી તાલુકો ખનીજ ચોરો માટે સ્વર્ગ સમાન છે. મહીસાગર નદીના પટમાં ૧૦૦ ફૂટ સુધી રેતી માફિયાઓ અંદર જઇને રેતી ખોદીને વેચી દે છે. મહી નદીમાં નાવડી, વેક્યૂમ પંપ, હિટાચી મશીન, જેસીબી જેવા સાધનોથી આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે. ધરમ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ભૈયા ભર ભર પેટ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તાલુકાના નાગરિકો દ્વારા વિવિધ વિભાગોમાં તેમજ મુખ્યમંત્રી કક્ષાએ રજૂઆત થાય છે પરંતુ ખનીજ ચોરી રોકવાનું નામ લેતી નથી.
પોઇચા કનોડા ગામે મહીસાગર નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર વડોદરા ખાણ ખનીજ ના દરોડા પડયા હતાં. મહી નદીના પટમાં પોઇચા-કનોડા ગામે રેતી ખનન કરતા એક હિટાચી, એક જેસીબી, ચાર ડમ્પર મળી કુલ રૃા.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહી નદીમાં ગાંધીનગરથી ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાર પછી પણ ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ચાલુ રહી હતી.
ઓરસંગ નદીમાં રાત્રે રેતીનું ગેરકાયદે ખનન ઝડપાયું
ડભોઇ તાલુકાના કરનાળી, પીપળીયા ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં રાત્રે ગેરકાયદે ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે રાત્રે ખનન પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોવા છતાં ઓરસંગ નદીમાં બિન્ધાસ્ત રેતીનું ગેરકાયદે ખનન ચાલતું હોવાની બાતમીના આધારે દરોડો પાડતા બે ડમ્પર તેમજ એક મશીન મળી કુલ રૃા.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઓરસંગ નદીમાં પોરબંદરના ભરતભાઇ દેવરાણીયા નામના શખ્સ દ્વારા ગેરકાયદે ખનન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.