Get The App

સાસણ RFOની સરકારી ગાડીમાં જંગલમાં મહેમાનોને ગેરકાયદે સિંહ દર્શન

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
સાસણ RFOની સરકારી ગાડીમાં જંગલમાં મહેમાનોને ગેરકાયદે સિંહ દર્શન 1 - image


ચોમાસાના 4 માસ જંગલ સફારી બંધ હોવા છતાં  ભંભાફોડ ચેક પોસ્ટ પરથી પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરાવ્યો : સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતાં વનતંત્રમાં દોડધામ

જૂનાગઢ : ચોમાસાના કારણે સાસણની જંગલ સફારી બંધ છે પરંતુ વન વિભાગના અધિકારીઓને તેમના મહેમાનો માટે આ કાયદો લાગુ ન પડતો હોય તેવી ઘટના બની છે. સાસણના આરએફઓની સરકારી ગાડીમાં આજે સવારે ભંભાફોળ ચેકપોસ્ટ પરથી મહિલા, બાળકો સહિતના તેમના મહેમાનો જંગલમાં ઘૂસી અને સિંહ દર્શન કરી પરત ફરતા હોવાની ઘટના કેમેરામાં કેદ થતાં વન વિભાગ સામે સવાલો ઉઠયા છે.

જંગલ સફારી ચોમાસાના ચાર માસ પ્રવાસીઓ માટે સદંતર બંધ રાખવામાં આવે છે. આ નિયમની અમલવારી વન વિભાગના અધિકારીઓએ જ કરાવવાની છે પણ નિયમની અમલવારી કરાવવાને બદલે તેઓ જ નિયમોના ઉલ્લંઘન કરી રહ્યા છે. બનાવની વિગત પ્રમાણે આજે સવારે સાડા દસ વાગ્યા આસપાસ સાસણના આરએફઓની સરકારી ગાડીમાં પોતાના મહેમાનને ભંભાફોળ ચેકપોસ્ટ પર અંદર જંગલમાં પ્રવેશ કરે છે. થોડા સમય બાદ સિંહ દર્શન કરી આરએફઓના મહેમાન પરત ભંભાફોળના નાકેથી પરત નીકળી રહ્યા છે.

ભંભાફોળ ચેકપોસ્ટ પરથી બહાર નીકળતા હોય ત્યારે તેમની ગાડીમાં મહિલાઓ બાળકો સહિતના નજરે પડી રહ્યા છે. સમગ્ર ઘટનાના કેમેરામાં કેદ થઈ છે. આ અંગેની ગંભીર બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે સામાન્ય લોકો નિયમોનો ભંગ કરે તો તેના પર કાયદાના દંડા થોપી બેસાડવામાં આવે છે અને તેમને ખૂબ જ કનડગત કરવામાં આવે છે. પરંતુ અધિકારીઓ માટે કોઈ નિયમ જ ન હોય અને તેમને મન થાય તેવી રીતે જંગલમાં વર્તવામાં આવતું હોય તેવો ઘાટ ઘડાયો છે. અગાઉ પણ આ સરકારી ગાડી મહેમાનોને લઈ જંગલમાં પ્રવેશ કરતી હોવાની ઘટના પણ બની છે. જંગલમાં અનેક અન્ય પ્રવૃત્તિઓ પણ અધિકારી દ્વારા કરવામાં આવતી હોવાનું ખુદ વન વિભાગમાં ચર્ચાઈ રહ્યું છે.


Google NewsGoogle News