જામનગર નજીક દુકાનમાંથી ગેરકાયદે ગેસ રીફીલિંગનું કારસ્તાન પકડાયું : દુકાનદારની અટકાયત
image : file photo
Gas Refilling Scam Jamnagar : જામનગરમાં નજીક દરેડ મસીતીયા રોડ પર આવેલી એક દુકાનમાંથી ગેરકાયદે રીતે ગેસ રિફીલિંગનું કારસ્તાન પકડાયું છે, અને ખાલી ભરેલા બે નંગ ગેસના બાટલા થતા તેની સામગ્રી સાથે દુકાનદારની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
જામનગર નજીક દરેડ મસીતીયા રોડ પર રહેતો અને દુકાન ધરાવતો ઓસમાણ ઉર્ફે ટીમુ ઈસ્માઈલભાઈ ખફી નામનો વેપારી પોતાની દુકાનમાં ગેરકાયદે રીતે રાંધણ ગેસના મોટા બાટલામાંથી ગેસનું રીફીલિંગ કરીને નાના બાટલામાં ટ્રાન્સફર કરી તેનું ગેરકાયદે રીતે વેચાણ કરી રહ્યો હોવાની બાતમીના આધારે પંચકોશી બી. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન ઉપરોક્ત વેપારી ગેરકાયદે રીતે ગેસ રીફીલિંગનું કારસ્તાન કરતાં રંગે હાથ પકડાયો હતો. પોલીસ દ્વારા વેપારીની અટકાયત કરી લઇ તેની સામે બી.એન.એસ. કલમ 287 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને તેની દુકાનમાંથી ગેસના બે નંગ બાટલા, તેમજ પ્લાસ્ટિકની પાઇપલાઇન, રેગ્યુલેટર, લોખંડની નૉઝલઝ ઇલેક્ટ્રીક મોટર સહિતની સામગ્રી કબજે કરી લેવામાં આવી છે.