Get The App

વડોદરાના સન ફાર્મા રોડ-સોમા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણોનો સફાયો

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
વડોદરાના સન ફાર્મા રોડ-સોમા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણોનો સફાયો 1 - image


Vadodara Corporation Demolition : ભાજપ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ જન આક્રોશ અંગે ધ્યાન ભટકાવવાના ઇરાદે પાલિકા-પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા ગેરકાયદે દબાણો હટાવની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પરંતુ બની ગયેલી દબાણ હટાવો ઝુંબેશનો કાફલો વિસ્તારમાંથી જતા જ ગણતરીના કલાકોમાં ફરી એકવાર યથા સ્થાને દબાણો જેમના તેમ ગોઠવાઈ જાય છે. આમ પાલિકા અને પોલીસની કામગીરી માથે પડે છે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા પોલીસની હાજરીમાં જ થતાં પોલીસ પર માછલા ધોવાયા હતા. પરિણામે જન આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. જેથી પોલીસ અને પાલિકા દ્વારા એક્શન પ્લાન ઘડાયો હતો. એમાં પોલીસ અને પાલિકાએ સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારના દબાણો હટાવવાનું નક્કી કરાયું હતું. જેમાં આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સન ફાર્મા રોડ પર અને પાણીગેટ સોમા તળાવ વિસ્તારમાંથી દબાણો હટાવીને કુલ ચાર ટ્રક જેટલો માલ સામાન અને લારી ગલ્લા કબજે લઈને બનાવવામાં આવેલા હંગામી શેડ તથા ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ 10-11ના લારી ગલ્લા સહિત વાહન રીપેરીંગના શેડ તથા થાણી પીણીની લારીઓ ખસેડવાનું દબાણ શાખાએ શરૂ કર્યું હતું. પરિણામે કેટલીય જગ્યાએ જીભા જોડી અને દબાણ ટીમ સાથે રકઝક સહિત તુ તુ મેં મેં થતાં મામલો બીચ કે એ અગાઉ પોલીસે સમજાવટથી મામલો થાળી પાડ્યો હતો. વિવિધ વિસ્તારના દબાણો હટાવતા ઠેક ઠેકાણે તમાશો જોવા ટોળા ઉમટ્યા હતા. દબાણ શાખાની ટીમે આ વિસ્તારમાં અનેક જગ્યાએ બનાવાયેલા ગેરકાયદે ઓટલા પણ તોડ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારની જુદી જુદી જગ્યાએથી કુલ બે ટ્રક જેટલો માલસામાન અને લારીઓ કબજે કરીને આટલાદરા સ્ટોરમાં જમા કરાવ્યો હતો. 

આવી જ રીતે પાલિકા દબાણ શાખાની બીજી ટીમે સોમા તળાવ સહિત પાણીગેટ તથા આસપાસના વોર્ડ નં.16ના વિસ્તારમાં દબાણો હટાવીને સપાટો બોલાવ્યો હતો. જ્યાં ખાણીપીણીની લારીઓ, વાહન રીપેરીંગ કરવાના શેડ, તથા ઘેરઘેર લગાવાયેલા ગલ્લા પણ દબાણ શાખાની ટીમે પોલીસના સહકારથી દૂર કરાયા હતા. આ વિસ્તારમાંથી પણ બે ટ્રક જેટલો માલ સામાન અને લારીઓ કબજે લઈને સ્ટોરમાં જમા કરાવ્યા હતા. પરંતુ પાલિકા-પોલીસની દબાણ હટાવો ઝુંબેશ દરેક વિસ્તારમાં ફારસ રૂપ બની જાય છે. દબાણ દૂર કરવાની કાર્યવાહી પૂરી થયાના ગણતરીના કલાકો બાદ જ ફરી એકવાર જે તે જગ્યાએ દબાણો યથા સ્થાને થઈ જાય છે આમ પાલિકા અને પોલીસની કાર્યવાહી ફારસ રૂપ અને તમાશો બની જાય છે.


Google NewsGoogle News