Get The App

અમદાવાદમાં ગેરકાયદે બાધંકામો તોડવામાં એસ્ટેટ વિભાગની વહાલાદવલાંની નીતિ

વિજિલન્સ કમિશનરને ફરિયાદ આપી તો વિજિલન્સ કમિશનરે ફરિયાદની નકલ એસ્ટેટ વિભાગના જવાબદાર અધિકારીને જ મોકલી દીધી

ઘાટલોડિયાના ગોતા વોર્ડ, વેજલપુર અને સરખેજમાં ગેરકાયદેસર બાંધકામોમાં થઈ રહેલો સતત વધારો

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
અમદાવાદમાં ગેરકાયદે બાધંકામો તોડવામાં  એસ્ટેટ વિભાગની વહાલાદવલાંની નીતિ 1 - image

 


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર

અમ્યુકોના એસ્ટેટ ખાતાના અધિકારીઓ બાંધકામ તોડવાની બાબતમાં પણ વહાલાં દવલાંની નીતિ અપનનાવી રહ્યા છે. હેરિટેજની કેટેગરીમાં આવતા બાંધકામો અને તેની પરિસરમાં એટલ ેકે પાલડી વિસ્તારમાં પણ ગેરકાયદે બાંધકામો કરી દેવામાં આવ્યા હોવાની ફરિયાદને ધ્યાનમાં લઈને પણ તમામ ગેરકાયદે બાંધકામોની વિગતો અમ્યુકો દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે. અમદાવાદ પશ્ચિમમાં વેજલપુર, ગોતા અને નહેરુ નગર વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો તોડતા જ નથી. તેની સામે અમરાઈવાડી, સરખેજ વિસ્તારના તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે.

ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવામાં પણ અમીર અને ગરીબનો તફાવત જોવામાં આવી રહ્યો હોવાની એક ફરિયાદ ઊઠી છે. ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે પોલીસ પ્રોટેક્શન ન મળતુ હોવાનું બહાનું એસ્ટેટ વિભાગ સતત કાઢી રહ્યું છે. પરંતુ પોલીસ પ્રોટેક્શન ન મળે તો અમ્યુકોના જ સીએનસીડી-કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ પાસે પોલીસ પ્રોટેક્શનની કામગીરી કરી શકે છે. તેમની પાસે આ સેવા લેવાનો વિચાર શુદ્ધાં કરતાં નથી. એસ્ટેટ અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન માટે એકવાર અરજી કરી દીધા પછી બીજીવાર અરજી પણ કરવાનું ટાળતા રહીને ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને આડકતરી રીતે પ્રોટેક્શન આપી રહ્યા છે.

પરિણામે ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને છૂટ્ટો દોર મળી રહ્યો છે. જોકે નામચીન ગણાતા જુહાપુરાના કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ ગત ઓક્ટોબરમાં જ તોડી પાડીને અમ્યુકોના એસ્ટેટ વિભાગે પ્રશસ્ય કામગીરી કરી જ છે. છતાં કેટલાક વિસ્તારોમાં ભેદભાવ દાખવવામાં આવી રહ્યો છે. અમરાઈવાડીના ખાસ્સા ગેરકાયદે બાંધકામો તોડવામાં આવ્યા છે.

વોર્ડ ઇન્સ્પેક્ટરની રહેમનજર હેઠળ જ આ ગેરકાયદે બાંધકામો ઊભા થઈ જતાં હોવાથી અમ્યુકોની ટાઉન પ્લાનિંગ કમિટીએ આ કવાયત ચાલુ કરી છે. આ રહ્યા તેના ઉદાહરણ. અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં વેજલપુર વિસ્તારમાં જીવરાજ પાર્ક નજીક એ-૩ તુલસીવન સોસાયટીમાં ત્રણ દુકાનો સહિત ત્રણ માળનું ગેરકાયદે બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું છે. વેજલપુરમાં ગેરકાયેદે બાંધકામ કરનારને નોટિસ પણ આપવામાં આવી છે. પરંતુ ત્યારબાદ સમગ્ર કાર્યવાહીનો વીટો વાળી દેવામાં આવ્યો છે. વેજલપુરના ગેરકાયદે બાંધકામ સામે વિજિલન્સ અધિકારીને ફરિયાદ આપવામાં આવી તો જે તે વોર્ડના ઇન્સ્પેક્ટર્સ કે એસ્ટેટ વિભાગના જવાબદાર અધિકારી સામે પગલાં લેવાને બદલે વિજિલન્સ અકિારીએ તે ફરિયાદ સંભવતઃ એસ્ટેટ વિભાગના અધિકારીને જે તે ગેરકાયદે કામને છાવરનાર અધિકારીને જ પાઠવી દીધી છે.

આમ વિજિલન્સ ખાતાએ જેની સામે ફરિયાદ છે તેને જ ફરિયાદની નકલ મોકલી દેતા કોઈ જ પગલાં લેવાયા નથી. ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર અધિકારીને જ તેની સામેની ફરિયાદ મોકલી લઈને વિજિલન્સ ખાતાએ તપાસનો વીટો વાળી દીધો છે. વેજલપુરમાં જ ઝંકાર સોસાયટી સામે વેજલપુર ચોકીની ગલીમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું છે. તેરમી સપ્ટેમ્બર ૨૦૨૪ના તેમને પુરાવા રજૂ કરવાની નોટિસ આપ્યા પછી આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી.વેજલપુરની ઝંકાર સોસાયટીમાં ત્રણ દુકાનો અને ત્રણ બંગલાનું બાંધકામ થયું છે. તેમાંથી એક બંગલાવાળાને નોટિસ આપી છે. બે બંગલાના માલિકોને નોટિસ પણ નથી આપી. આ કેસની તપાસ વિજિલન્સ કમિશનર કરે તેવી માગણી કરવામાં આવી હતી. પરંતુ તે ફરિયાદની તપાસ પણ સંભવતઃ ગુનેગાર જણાતા તપાસ અધિકારીને જ સોંપી દેવામાં આવી હતી.

ગોતાના વોર્ડ નંબર ૧માં માં સિટી સર્વે નંબર ૧૦૭ના વિસ્તારમાં આશીર્વાદ કોમ્પ્લેક્સની બાજુમાં, સોલા બ્રિજ પાસે થયેલા બે કોમ્પ્લેક્સના ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે. તેની સામે ફરિયાદ થઈ હોવા છતાં કોઈ જ પગલાં લેવાયા નથી. ઘાટલોડિયા અને ચાંદલોડિયામાં ટી.પી. ૨૮માં ફાઈનલ પ્લોટ નંબર ૫ના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યા છે.

વેજલપુરમાં ગેરકાયદે બાંધકામ વધવા દેવા માટે નગર વિકાસ ખાતાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર રાજેશ જીવાણી, સબ ઇન્સ્પેક્ટર નિકુંજ પરમાર અને આસિસ્ટન્ટ ડીડીઓ કાંતિલાલ દાફડા વિરુદ્ધ ૨૬મી ઓક્ટોબર ૨૦૨૪ના ફરિયાદ પણ કરવામાં આવેલી છે. આ ત્રણ અધિકારીઓ સામે ગેરકાયદે બાંધકામ કરનારાઓને છાવરી રહ્યા હોવાની ફરિયાદ પણ થયેલી છે. આ અધિકારીઓ અમ્યુકાનો પરિપત્ર નંબર ૧૫માં આપવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો ભંગ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

 


Google NewsGoogle News